Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

રોણકી ગામની કરોડોની જમીન પચાવી પાડી ખંડણી માંગવા અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૨૩ : રાજકોટ શહેરની ભાગોળે આવેલા રોણકી ગામની ૪૦ કરોડની કિંમતી જમીનના બોગસ દસ્‍તાવેજો તૈયાર કરી પચાવી પાડ્‍યા બાદ સમાધાન પેટે રૂ.૧૮ કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં સંડોવાયેલા આરોપીને જામીન મુક્‍ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલ ભોમેશ્વરવાડીમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ પરસાણા રોણકી ગામે આવેલી રેવન્‍યુ સર્વે નં. ૪૭ પૈકી ૧ પૈકી ૧ની જમીન હેક્‍ટર ૨-૨-૫૨-૬૪ ચો.મી.ના ખેડૂત ખાતેદાર છે. જે જમીનમાં કોઈએ કાવા દાવા કર્યા હોવાની શંકા જતા રમેશભાઈ પરસાણા અને તેના પુત્ર જવલંત પરસાણા રાજકોટ સબ રજીસ્‍ટાર કચેરી ખાતે ગયા હતા અને જયાં તપાસ કરાવતા રમેશભાઈ પરસાણાની જમીનના બોગસ દસ્‍તાવેજો તૈયાર કરી વેચાણ થયાનું જોવા મળેલ હતું. કુલમુખત્‍યાર નામો કરવા માટે સ્‍ટેમ્‍પની ખરીદી પ્રફુલ રામજીભાઈ નામના શખ્‍સે કરેલ હતી. અને આ કુલ મુખ અત્‍યારે નામુ જયરાજસિંહ મહિપતસિંહ રાણા (રહે. તંબોળેશ્વર મહાદેવ પાસે ધ્રોલ) જોગનું કરવામાં આવેલ હતું. બાદમાં જયરાજસિંહ રાણાએ ભાણવડના હાથલા ગામના ગીરીરાજસિંહ મજબુતસિંહ જેઠવા અને કલાવડના આણંદપર ગામના હીરાભાઈ પમાભાઈ સાગઠીયાને બોગસ કુલમુખતાયરનામાંના આધારે જમીન વેચી મારી હતી જેમાં સાક્ષી તરીકે પ્રદ્યુમ્‍નસિંહ નવલસિંહ જાડેજા અને રામજીભાઈ ગોવિંદભાઈ મકવાણાએ સહી કરી હતી. જે બોગસ નોંધ સામે રમેશભાઈ પરસાણાએ મામલતદાર સમક્ષ વાંધા રજુ કર્યા હતા તે દરમિયાન આરોપી યુવરાજસિંહ રઘુભા ચુડાસમા અને ગોપાલ ભુવાએ રમેશભાઈ પરસાણા અને તેના પુત્ર જવલંત પરસાણાને મામલતદાર ઓફિસની બહાર બોલાવી સમાધાન પેટે અડધી જમીન અથવા રૂ.૧૮ કરોડની ખંડણીની માંગણી કરી હોવાની રમેશભાઈ પરસાણાએ પોલીસ  ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં ડાંગરના શક્‍તિસિંહ જામભા જાડેજાનું નામ ખુલ્‍યું હતું.  શક્‍તિસિંહ જામભા જાડેજાએ રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ  આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓને ધ્‍યાને લઈ કોર્ટે આરોપી શક્‍તિસિંહ જામભા જાડેજાને જામીન મુક્‍ત કરવા હુકમ કર્યો છે.

 આ કેસમાં આરોપીના બચાવ પક્ષે રાજકોટના એડવોકેટ સાહિસ્‍તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, નિમેશ જાદવ, દયાબેન કે. છાયાણી અને આસિસ્‍ટન્‍ટ અમાનખાન પઠાણ રોકાયા હતા.

(2:41 pm IST)