Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ખોડિયારનગરના રાજુભાઇ ખાંટનું મોતઃ એએસઆઇએ તેને પણ મારકુટ કર્યાનો આક્ષેપઃ બે વર્ષથી બિમાર હતાં

આંબેડકરનગરના હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇની હત્‍યામાં રિમાન્‍ડ પર રહેલા એએસઆઇ વિરૂધ્‍ધ આક્ષેપોથી ચકચાર : ૧૪મીએ રાજુભાઇને કાકા બાવનજીભાઇ સાથે માથાકુટ થતાં કાકાએ પોલીસ બોલાવી હતીઃ એ વખતે રાજુભાઇએ મિત્ર હમીરભાઇ રાઠોડને સમાધાન માટે બોલાવતાં પોલીસે બંનેને લઇ જઇ મારકુટ કર્યાનો આક્ષેપઃ પોલીસ કાર્યવાહીથી રાજુભાઇનો પરિવાર સંતુષ્‍ટ : મોતનું કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું: દિકરા જયેશ સોલંકીએ કહ્યું- બે વર્ષથી પિતાજી પેટ, લિવરની બિમારીને લીધે ઘરે જ રહેતાં હતાં: પોલીસ તેમને પણ લઇ ગઇ હતી, ન્‍યાય મળવો જોઇએઃ અંતિમવિધી વતન બેટાવડ ગામે કરીશું :મારકુટથી મોતનો રિપોર્ટ આવશે તો અગાઉના ગુનામાં આ બનાવનો પણ ઉમેરો કરશે પોલીસ :એસડીએમની હાજરીમાં સવારે મૃતદેહનું પંચનામુ કરવામાં આવ્‍યું :૧૪મીએ રાજુભાઇની સામે અટકાયતી પગલા બાદ ૧૫મીએ મુક્‍ત કરાયા હતાં: તબીયત બગડતાં ઘર પાસે સારવાર લીધી હતીઃ ચાર દિવસ પહેલા સિવિલમાં લાવ્‍યા તો પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઇ હતીઃ ગત સાંજે બેભાન થયા બાદ મોત તસ્‍વીરમાં રાજુભાઇ સોલંકીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, વિગતો જણાવનાર પુત્ર જયેશભાઇ અને તેમના સગા સંબંધીઓ જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા અને પાડોશમાં રહેતા મિત્રને થયેલી માથાકૂટને કારણે માલવીયાનગર પોલીસ આવતા તેને સમજાવવા ગયેલા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)ની માલવીયાનગરના એએસઆઈ અશ્વીનભાઇ જેઠાભાઈ કાનગડ (ઉ.વ.૩૮, રહે. વર્ધમાનનગર, ઘંટેશ્વર એસઆરપી ગુ્રપ-૧૩ પાસે)એ મારકૂટ કરી, હત્‍યા નિપજાવ્‍યાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઈ હતી. આ ગુનામાં એએસઆઇ કાનગડ ડીસીબીમાં હાજર થયા બાદ માલવીયાનગર પોલીસે કબ્‍જો લીધો હતો. તે બે દિવસના રિમાન્‍ડ પર હતાં ત્‍યાં મૃતક હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇના મિત્ર ખોડિયારનગર-૧૭માં રહેતાં રાજુભાઇ ભગવાનજીભાઇ સોલંકી-ખાંટ (ઉ.વ.૪૫) પણ ગત સાંજે બેભાન થઇ ગયા બાદ મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. જે તે દિવસે હમીરભાઇની સાથે એએસઆઇએ રાજુભાઇને પણ મારકુટ કર્યાનો પરિવારે આક્ષેપ કરતાં મોતનું કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે. બે વર્ષથી રાજુભાઇ બિમાર હતાં. મારકુટથી મોતનો રિપોર્ટ આવશે તો અગાઉના ગુનામાં આ બનાવનો પણ પોલીસ ઉમેરો કરશે.

આ ઘટનામાં એએસઆઇ અશ્વીનભાઇ જેઠાભાઇ કાનગડની ધરપકડ બાદ બે દિવસના રિમાન્‍ડ મળ્‍યા હતાં. આજે ગુરૂવારે બપોર બાદ રિમાન્‍ડ પુરા થઇ રહ્યા હતાં. એ દરમિયાન ગત સાંજે મૃતક હમીરભાઇના  મિત્ર ખોડિયારનગર-૧૭માં રહેતાં રાજુભાઇ ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ.૪૫)ને ગત સાંજે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસમાં નોંધ કરાવી હતી.

એન્‍ટ્રીમાં નોંધાયુ હતું કે રાજુભાઇ તા. ૧૪/૪ના રોજ રાતે સાડા દસે ઘરે હતાં ત્‍યારે પડોશી સાથે ઝઘડો થતાં માલવીયાનગર પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા બાદ ૧૫/૪ના જામીન પર છોડાયા હતાં. એ પછી તબિયત બગડતાં ઘર નજીક હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી. ત્‍યારબાદ ઘરે જતાં રહ્યા હતાં. ત્રણ દિવસ પહેલા ફરી તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવતાં અહિ ઓપીડી સારવાર બાદ ફરી ઘરે લઇ જવાયા હતાં. એ પછી બુધવારે ૨૪/૪ના સાંજે આઠેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં ફરી સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવતાં તબિબે મૃત જાહેર કર્યા હતાં.

મૃતક રાજુભાઇના પુત્ર જયેશભાઇ સોલંકીએ જણાવ્‍યું હતું કે મારા પિતા રાજુભાઇને તેમના કાકા બાવનજીભાઇ સરવૈયા સાથે માથાકુટ થતાં તેમણે પોલીસ બોલાવી હતી. આથી મારા પિતાએ મિત્ર હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇને સમાધાનની વાત કરાવવા બોલાવતાં પોલીસ હમીરભાઇને લઇ ગઇ હતી. પછી મારા પિતા રાજુભાઇને પણ લઇ ગઇ હતી. બીજા દિવસે તેમને છોડી મુકાયા હતાં. એ પછી તેની તબિયત સતત ખરાબ રહેતી હોઇ અમે સારવાર કરાવી હતી. હમીરભાઇની સાથે સાથે મારા પિતાને પણ મારકુટ થઇ હતી.

જયેશભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે મારા પિતા ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા નંબરે હતાં. અમે બે ભાઇ-બહેન છીએ. મારા પિતાને બે અઢી વર્ષથી પેટની લિવરની બિમારી હોઇ તે કામ કરી શકતા નહોતાં અને ઘરે જ રહેતાં હતાં. મારા માતાનું નામ સોનલબેન છે. મારા દાદા-દાદી વતન કોલીથડ પાસેના બેટાવડ ગામે રહે છે. અમે અંતિમવિધી અમારા વતનમાં કરીશું. પોલીસે હાલમાં જે કાર્યવાહી કરી છે તે યોગ્‍ય છે. અમને અને હમીરભાઇના પરિવારને ન્‍યાય મળે એટલી જ અમારી માંગણી છે.

એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ જે. આર. દેસાઇ, એએસઆઇ બકુલભાઇ વાઘેલા, રાઇટર દિપકભાઇ સહિતની ટીમે ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં કાર્યવાહી કરી હતી. રાજુભાઇ સોલંકીનું મોત મારકુટથી થયાનો ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવશે તો અગાઉની ૩૦૨ની ફરિયાદમાં આ ઘટનાનો ઉમેરો કરી રિપોર્ટ કરવામાં આવશે. સવારે રાજુભાઇના મૃતદેહનું પંચનામુ એસડીએમની હાજરીમાં કરવામાં આવ્‍યુ઼ હતું. જેમાં વાંસા, સાથળના ભાગે ચાંઠા-ચામડી ઉખડી ગયાના નિશાન હોવાનું પ્રાથમિક રીતે જણાયુ હતું.

આ બનાવને પગલે રાતે હોસ્‍પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. જો કે મૃતકના સ્‍વજનોએ પોલીસ કાર્યવાહી સામે સંતોષ વ્‍યક્‍ત કરતાં ટોળા વિખેરાઇ ગયા હતાં.

(11:44 am IST)