Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

૯ દિવસ પહેલા ગૂમ થયેલા ૧૬ વર્ષના ટેણીયાને ભક્‍તિનગર પોલીસે અમૃતસરની શોધી કાઢયો

આઇટીઆઇ કરતો તરૂણ યુ-ટયુબમાં રીલ્‍સ જોયા બાદ ફરવા નીકળી ગયો હતોઃ પંજાબથી યુપીની ટ્રેન પકડે એ પહેલા પોલીસ પહોંચી ગઇ : પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની ટીમના સંજયભાઇ ચાવડા,દેવાનંદભાઇ અને પુષ્‍પરાજસિંહની મહેનત લેખે લાગીઃ રાજકોટ રેલ્‍વે સ્‍ટેશને જમ્‍મુતાવી ટ્રેનમાં ચડતો દેખાયા બાદ પોલીસની ટીમ ૪૧૦૦ કિ.મી.નું ટ્રાવેલીંગ કર્યુ, અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યાઃ પંજાબ પહોંચી બાળકને શોધી વાલી સાથે મિલન કરાવ્‍યું: વાલીઓએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ભક્‍તિનગર પોલીસનો આભાર માન્‍યો

 

રાજકોટ તા. ૨૫: શહેરના કોઠારીયા રોડ ન્‍યુ સૂર્યોદય સોસાયટીમાં રહેતાં એક પરિવારનો ૧૬ વર્ષનો દિકરો આજથી નવ દિવસ પહેલા ૧૭મીએ સવારે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ કરી પોલીસને જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  આ ટાબરીયો રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનના સીસીટીવી કેમેરામાં જમ્‍મુ તાવી ટ્રેનમાં બેસતો જોવા મળતાં પોલીસની એક ટીમ તેને શોધવા નીકળી ગઇ હતી. આ ટીમે ૪૧૦૦ કિ.મી.નું ટ્રાવેલીંગ કરી છેલ્લે અમૃતસર રેલ્‍વે સ્‍ટેશનેથી ટાબરીયાને શોધી કાઢી રાજકોટ લાવી તેના વાલી સાથે મિલન કરાવ્‍યું હતું. યુ-ટયુબમાં રીલ્‍સ જોયા બાદ તે ફરવા નીકળી પડયો હતો. પંજાબથી યુપીની ટ્રેન પકડે એ પહેલા પોલીસ પહોંચી ગઇ હતી.

ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને બાળકના વાલી પહોંચતા પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાએ બનાવને ગંભીર ગણી તરૂણના ફોટા મેળવી ટીમોને કામે લગાડી હતી. તે જ્‍યાંથી નીકળ્‍યો ત્‍યાં આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરાવ્‍યા હતાં. ટેકનીકલ સેલન મદદથી તપાસ કરતાં આ તરૂણ છેલ્લે રેલ્‍વે સ્‍ટેશને જમ્‍મુતાવી ટ્રેનમાં બેસતો દેખાયો હતો. આથી તુરત એક ટીમને અમદાવાદ તપાસમાં મોકલી હતી. ત્‍યાં અલગ અલગ કેમેરા ચેક કરાવતાં સીસીટીવી અને સોર્સની મદદથી માહિતી મેળવતા જાણવા મળ્‍યું હતું કે ગૂમ થનાર તરૂણ ઉત્તર પ્રદેશમાં છે. આથી એક ટીમ યુપી રવાના કરવામાં આવી હતી. ત્‍યાં જઇ તપાસ કરતાં સીસીટીવી મારફતે જાણવા મળ્‍યું હતું કે આ ટાબરીયો પંજાબ તરફ હોઇ શકે. આથી પોલીસની ટીમ પંજાબના અમૃતસર રેલ્‍વે સ્‍ટેશને પહોંચી હતી. જ્‍યાં સર્ચ કરતાં તે રેલ્‍વે સ્‍ટેશની મળી આવ્‍યો હતો. અહિથી તે ફરી ઉત્તરપ્રદેશ જવા ટ્રેન પકડવાનો હતો.

પોલીસ તેને રાજકોટ હેમખેમ લઇ આવી હતી અને માતા-પિતા સાથે મિલન કરાવતાં તેઓ ભાવુક બની ગયા હતાં અને લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા હતાં. આ ટેણીયાને શોધવા પોલીસે તેની તસ્‍વીર, વર્ણન સાથે શક્‍ય તેટલી પ્રસિધ્‍ધી કરાવી હતી. અલગ અલગ શહેર, રાજ્‍યોના સીસીટીવી કેમેરા ચેક કરાવી ૪૧૦૦ કિ.મી.નું ટ્રાવેલીંગ કરી તેને શોધી કાઢયો હતો.

આ બાળકના વાલીઓએ નોંધપાત્ર કામગીરી બદલ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા તેમજ હેડકોનસ. સંજયભાઇ ચાવડા અને સમગ્ર ટીમનો આભાર વ્‍યક્‍ત કરી પ્રશંસાપત્ર આપ્‍યા હતાં. હસમુખભાઇ આહિર, વિશ્વરાજભાઇ આહિર સહિતે પોલીસની આ કામગીરીને બીરદાવી હતી.

(3:19 pm IST)