Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મારામારીના કેસમાં રાજુલા કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા

રાજકોટ, તા.૨૫: મારામારી કેસમાં રાજુલા કોર્ટે આરોપીને બે વર્ષની સજા કરી હતી.

આ અંગે વિગત એવી છે કે, સને- ૨૦૧૩માં ભુપતભાઈ મંગળભાઈ હડીયા રહે. માંડણ તા. રાજુલા જી. અમરેલી પોતાના ખેતરમાં આટો મારવા ગયેલા ત્‍યારે આ કામના આરોપી હાથીભાઈ આલાભાઈ અરડું રહે. નાના મછુન્‍દ્રા તા. રાજુલા તેના ખેતરમાં માલ ઢોર ચરાવતા હોય અને જેનાથી પાકને નુકશાન થતુ હોય જેથી તેમને માલઢોર ચરાવવાની ના પાડતા તેને સારૂ નહી લાગતા ગાળો આપીને કુહાડી વડે ભુપતભાઈ મંગળભાઈ હડીયાને માર મારેલો.

આ અંગેની ફરીયાદ બાદ પોલીસે નામ. કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને કેસ ચાલુ ફરીયાદી તેમજ નજરે જોનાર સાહેદો અને પંચોની જુબાની તેમજ ડોક્‍ટર અને તપાસ કરનાર અધીકારીના જુબાની તથા વિવીધ દસ્‍તાવેજી પુરાવાઓનું મુલ્‍યાંકન કરીને આરોપીઓ વિરૂધ્‍ધ પુરતો પુરાવો હોય રાજુલાના એડી. ચીફ. મેજી. સા.એ સરકારી વકીલથી દિવ્‍યેશ બી. ગાંધીની દલીલો તેમજ પુરાવાઓનું મુલ્‍યાંકનના આધારે એ તારણ કાઢેલ કે માલહોર ચરાવવા જેવી સામાન્‍ય બાબતે ગંભીર હુમલો કરેલ હોય અને જો આવા વ્‍યક્‍તિઓને છોડવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય તેમ હોય જેથી આરોપીએ ફરીયાદી ભુપતભાઈ હડીયાને ગંભીર રીતે માર મારેલ હોય આરોપી હાથીભાઈ આલાભાઈ અરડુને આઈ.પી.સી. કલમ-૩૨૪ માં બે વર્ષની સાદી કેદ તથા રૂા. ૫,૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર દંડ તથા આઈ.પી.સી. કલમ - ૩૨૩માં એક વર્ષની સાદી કેદ અથવા રૂા. ૧,૦૦૦/- અંકે રૂપિયા એક હજાર પુરા દંડ એમ કુલ ૨ વર્ષની સજા અને રૂા. ૬,૦૦૦/- દંડ કરેલ.

ઉપરોકત કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી દિવ્‍યેશ બી. ગાંધી રોકાયેલ હતા.

(3:25 pm IST)