Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સોખડામાં ગમારા એજન્સીના ગેસના બાટલાઓ સાથે ૪ વાહનો-૪ શખ્સો શંકાસ્પદ રીતે ઝડપાયા

એસઓજીએ દરોડો પાડી ડિટેઇન કરી પુરવઠા તંત્રને જાણ કરીઃ એક ટ્રક, બે છકડો અને એક ઓટો રિક્ષાઃ ૮૩ ભરેલા બાટલા, ૦૯ ખાલી બાટલા મળ્યાઃ રિફીલીંગ માટે આવ્યા હતાં કે કેમ? તેની તપાસ

રાજકોટ તા. ૩૦: કુવાડવા રોડ પર સાત હનુમાન નજીક સોખડાથી ધમલપર જવાના રસ્તા પર સરકારી ખરાબામાં એક ટ્રક, બે છકડો રિક્ષા અને એક ઓટો રિક્ષા સાથે ગમારા ગેસ એજન્સીના ગેસના બાટલાના જથ્થા સાથે ચાર શખ્સો શંકાસ્પદ રીતે મળી આવતાં શહેર એસઓજીની ટીમે ચારેયને ડિટેઇન કરી આ અંગે પુરવઠા તંત્રને જાણ કરી છે. સણોસરામાં ગમારા ગેસ એજન્સી આવેલી છે. ત્યારે તેનો ડિલીવરીમેન સહિતના શખ્સો અહિ ખરાબામાં ગેસના બાટલાના જથ્થા સાથે શું કરવા આવ્યા હતાં? રિફીલીંગ થયું હતું કે કરવાનું હતું? કે અન્ય કંઇ હતું? તે અંગે પુરવઠા તંત્ર તપાસ કરશે.

એસઓજીની ટીમે માહિતી પરથી સોખડાથી ધમલપર જવાના રસ્તા પર બાલાજી પ્રે કાસ્ટ નામના કારખાનાની બાજુમાં આવેલા સરકારી ખરાબામાં ઇંટોના ભઠ્ઠા નજીક પહોંચી ગેસના ખાલી-ભરેલા બાટલાઓ સાથે ચાર શખ્સો ટ્રક ડ્રાઇવર ચેતન દાનાભાઇ મિંયાત્રા (રહે. ભગવતીપરા), ગમારા ગેસ એજન્સીના ડિલીવરીમેન અને છકડો ચાલક વિનોદ દેવાભાઇ ડાંગર (રહે. નહેરૂનગર અટિકા) તથા મજૂર તરીકે કામ કરતાં માંડણ વાઘાભાઇ બુકતરા (રહે. મવડી શ્રીનાથજી સોસાયટી) તથા નારણ વેજાભાઇ વરૂ (રહે. કોટડા નાયાણી)ને સકંજામાં લીધા હતાં.

એસઓજીની ટીમને એક ટ્રક, બે છકડો અને એક ઓટો રિક્ષા મળ્યા હતાં.  જેમાં ૮૩ ભરેલા બાટલા અને ૯ ખાલી બાટલા હતાં. ગેસ એજન્સી સણોસરામાં છે ત્યારે આ બધા છેક અહિ અંતરિયાળ જેવા રસ્તે બાટલાના જથ્થા સાથે શા માટે આવ્યા હતાં? તેની તપાસ કરાવવા પુરવઠા તંત્રને જાણ કરાઇ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, ડી. જી. ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(3:21 pm IST)