Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં ફાયર સેફટી ટ્રેનીંગ સેન્ટર બનશે

ઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડનું પુનરાવર્તન ન થાય તે માટેઃ હોસ્પીટલ-ઈન્ડસ્ટ્રી વગેરે સંવેદનશીલ જગ્યાના સ્ટાફને સાધનો ઓપરેટ કરવા અપાશે તાલીમઃ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે મૂકયુ સૂચન

રાજકોટ, તા. ૩૦ :. શહેરમાં બનેલી ઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજકોટમાં ફાયર ટ્રેનીંગ સેન્ટર હોવુ જોઈએ તેવુ સૂચન મ્યુ. કમિશ્નર અગ્રવાલે મુકયુ છે.

ગુજરાતની હોસ્પીટલમાં આગ લાગવાની વધતી ઘટનાઓને લઈને રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત રાજ્યમાં સૌ પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર રાજકોટમાં બનાવવામાં આવશે. જ્યાં હોસ્પીટલના તથા ઈન્ડસ્ટ્રીઓ જેવા સંવેદનશીલ સ્થળોના કર્મચારીઓને નિવૃત ચીફ ફાયર ઓફિસર દ્વારા આગ બુઝાવવાની તાલીમ આપવામાં આવશે.

તાજેતરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં લાગેલ આગ સમયે હોસ્પીટલના કર્મચારીઓ ફાયરના કોઈ સાધનોનો ઉપયોગ કરી શકયા નહોતા. જેને પગલે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાની પોતાની ફાયર ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ હોય તેવો વિચાર તેમણે મુકયો છે.

આ અંગે વિગતો મુજબ ફાયર એનઓસી મેળવાય ત્યારે ફાયરબ્રીગેડ ટ્રેનીંગ આપે છે પણ પછી કયારેક એવું બને છે કે, તાલીમ પામેલ કર્મચારી નોકરી બદલી હોય અથવા તો તે હવે બીજે ફરજ નિભાવતા હોવાથી ફયરના સાધનોનો ઉપયોગ કરવામાં સમસ્યા થાય છે. ત્યારે હવે મનપાના ઇઆરસી ભવનમાં ટ્રેનીંગ ઇન્સ્ટિટયુટ શરૂ કરવામાં આવશે.

મનપાનાં આ ફાયર ટ્રેનીંગ સેન્ટરમાં નિવૃત ચીફ ફાયર ઓફીસર આર. કે. મહેશ્વરી ટ્રેનીંગ આપશે. એવો પણ નિયમ બનાવવામાં આવશે કે જયારે કોઇ હોસ્પિટલ કે ઇન્ડસ્ટ્રીઝમાં નવા કર્મચારી જોડાય ત્યારે તે ફરજ પર હાજર થાય તે પહેલા ટ્રેનીંગ ઇન્સ્ટિટયુટની પાયાની તાલીમ લેશે અને પછી જે તે નોકરી પર હાજર થશે. આ ઉપરાંત નવા ફાયર એનઓસી લેનાર સંસ્થાનાં સ્ટાફને પણ તાલીમ આપવામાં આવશે. હાલમાં જેટલી પણ હોસ્પિટલ છે તેની યાદી બનાવી તેના સ્ટાફને ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનીંગ આપવાનું શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળે છે.

(3:48 pm IST)