Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કચ્છમાં કંડકટર પોઝીટીવ હોવા છતાં ફરજમાં?: કચ્છમાં- ૧૮, ભાવનગર-૩૪, મોરબીમાં કોરોનાના ૧૯ કેસ

રાજકોટ, તા.૭: સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે અને દર્દીઓની સંખ્યામાં પણ વધઘટ થઇ રહી છે ત્યારે કચ્છ-૧૮, ભાવનગર-૩૪ અને મોરબીમાં વધુ ૧૯ કેસ નોંધાવા પામ્યા છે જે અહેવાલો અહી રજુ છે.

ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલો મુજબ કોરોનાના વધતાં કેસો, મોતની સંખ્યા વચ્ચે એક બાજુ સરકાર દ્વારા અનલોક સાથે છુટછાટ અપાઈ રહી છે, બીજી બાજુ લોકો બેદરકાર બની રહ્યા છે. કચ્છની જ વાત કરીએ તો સતત વધતાં કેસો સાથે નવા ૧૮ દર્દીઓને પગલે કોરોનાના કુલ કેસ વધીને ૨૩૦૦ ની નજીક ૨૨૮૨ થયા છે. જોકે, મોતની સંખ્યા હજીયે છુપવાઇ રહી છે.

પરમ દિવસે ભુજના રાવલવાડી વિસ્તારમાં રહેતા પુરુષ દર્દીનુ મોત હજી ચોપડે ચડ્યું નથી. સરકારી ચોપડે બોલતા ૬૭ મોત વચ્ચે બિનસતાવાર મોતનો આંકડો ૧૧૩ થવા જાય છે. સાજા થેએલ દર્દીઓ ૧૮૧૬ અને સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૩૫૩ છે. જોકે, ચિંતાજનક વાત લોકોની બેદરકારીની છે.

ભુજના આત્મારામ સર્કલ પાસે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ રાજેન્દ્ર શર્મા દ્યરની બહાર હોટેલ પર ચા પીવા નિકળતા કલેકટરને ફરિયાદ કરાઈ હતી. પરિણામે એકશનમા આવેલ તંત્રએ પોલીસ ફરિયાદ નોધી હતી. જોકે, ભુજના ભાજપના એક આગેવાને કોરોના સંક્રમિત એક વ્યાપારી દ્વારા દાખવાયેલ બેદરકારી સબંધિત માહિતી આરોગ્યતંત્રને આપવા છતાયે કોઈ પગલાં ભરાયા ન્હોતા. દરેક નાગરિક કલેકટરને તો ફરિયાદ કરી શકતો નથી.

બેદરકારીના બીજા કિસ્સામાં ભુજ બારમેડ બસના કંડકટરને કોરોના હોવાનું જાણ્યા બાદ બસમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે. જોકે, ભુજના એસટી તંત્ર વતી એવો ખુલાસો કરાયો છે કે, કંડકટર રજામાં હતો ત્યારે તેને કોરોના થયો હતો, હવે બરાબર છે. એસટી દ્વારા કોરોના કેસ સંદર્ભે માહિતી અપાય છે. જોકે, સુપર સ્પ્રેડર જેવા કોરોના કેરિયર જાહેરમાં ફરતા હોય તે પરિસ્થિતિ જનસમુહ માટે ચિંતાજનક છે. તંત્રના દરેક વિભાગે આવા બનાવોને ગંભીરતાથી લેવા જોઈએ.

ભાવનગરમાં ૫૧ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામા વધુ ૩૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૩૮૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૬ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૨૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધામણકા ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૦ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૩૮૪ કેસ પૈકી હાલ ૩૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૯૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબીમાં ૨૧ દર્દીઓ સ્વસ્થ

મોરબીમાં કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૧ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે.

મોરબી જીલ્લામાં કોરોના કેસો દ્યટી રહયા હોય અને રીકવરી રેટ વધી રહ્યો હોય તેવું ચિત્ર દર્શાવવા સતત પ્રયાસ કરાઈ રહ્યો છે અને આજે કોરોનાના ૧૯ કેસો સામે ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે જેમાં મોરબી તાલુકાના ૧૪ કેસમાં ૦૩ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદ અને ટંકારામાં ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૯ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૧ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે.

નવા ૧૯ કેસો સાથે કુલ કેસનો આંક ૧૮૨૮ થયો છે જેમાં ૨૦૦ એકટીવ કેસ છે જયારે ૧૫૨૯ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

(11:23 am IST)