Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે

રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત દ્યોદ્યા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા વિજયભાઈ : કચેરીઓ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બને અને ગામડાનો માનવી તેનો સુખદ અનુભવ કરે તે માટે સરકાર કટિબદ્ઘ

(વિપુલ હિરાણી) ભાવનગરતા.૭ :  પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સીડીપી-૩ યોજના હેઠળ રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત દ્યોદ્યા તાલુકા પંચાયત કચેરીના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે. રાજયની ગ્રામ પંચાયતો મીની સચિવાલય બને અને છેવાડાના માનવીના પ્રશ્નને વાચા મળે અને સ્થાનિક કક્ષાએ જ તેનું સુખદ સમાધાન થાય તેવી ભાવનાથી રાજય સરકાર પંચાયતી માળખાને વધુ સક્ષમ અને ટેકનોલોજી યુકત બનાવવા સતત પ્રયત્નશીલ છે.

વધુમાં જણાવ્યું કે છેવાડાનો માનવી આરોગ્ય, ખેતી, સિંચાઈ સહિતની બાબતે સુદૃઢ બને તેમજ તેના પ્રશ્નોને વાચા મળે અને તેનું નિરાકરણ થાય તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માતબર રકમ ફાળવી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વકતુબેન મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંજયસિંહ ગોહિલ, શ્રી છોટુભા ગોહિલ, શ્રી દિવ્યેશભાઈ સોલંકી, શ્રી સુરૂભા ગોહિલ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાહુલ ગમારા, દ્યોદ્યા મામલતદાર શ્રીમતી હેતલબેન મકવાણા સહિતના અધિકારીશ્રીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:32 am IST)