Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મોરબી જિલ્લાના ૩ સાહસિક યુવાનો દ્વારા હિમાચલનું જગતસુખ શિખરનું સફળ આરોહણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૭ :  પિરપંજાલની પર્વતમાળાઓમાં ૧૬,૭૦૦ ફુટ ઉંચાઈ ધરાવતું એક જગતસુખ શિખર જેને મોરબી જીલ્લાના ત્રણ યુવાનોએ સર કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે.

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે અને પ્રવાસન સ્થળો પણ શરૂ થઈ ચુકયા છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદના ઈન્વિન્સીબલ એન.જી.ઓ. ના ૨૪ લોકો દ્વારા હિમાચલ પ્રદેશની પિરપંજાલ શ્રેણીમાં આવેલ એક શિખરનું આરોહણ સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવ્યું છે જેમાં મોરબીના રવાપર નજીક રહેતા સંકેત પૈજા તથા અજય કાનેટીયા અને ટંકારામાં રહેતા જૈમીન સુરાણીનો સમાવેશ થાય છે.

અમદાવાદ સ્થિત ઈન્વિન્સીબલ એન.જી.ઓ. દ્વારા દર વર્ષે આવા ટ્રેકીંગ કેમ્પોનું પ્રયોજન થતું હોય છે અને આ એન.જી.ઓ ભારતની સૌથી મોટી ટ્રેકિંગ કેમ્પ આયોજન કરતી સંસ્થા છે, જે વિદ્યાર્થીઓ દ્વારા નોન-પ્રોફિટ બેઝ પર ચલાવવામાં આવે છે. ૨૦૧૩ થી લઈને અત્યાર સુધીમાં ૮૩ હજારથી પણ વધુ યુવાનોએ વિવિધ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધેલો છે. આ એન.જી.ઓ.ની સ્પોન્સરશીપ થકી ૩૭ યુવાનો આ વર્ષે હિમાચલ સ્થિત માઉન્ટ ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરવાના હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનાલી મુલાકાતના કારણે બાદમાં તેને જગતસુખ શિખર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું જેની ઊંચાઈ ૧૬,૭૦૦ ફીટ છે અને આ શિખર માઉન્ટ ફ્રેન્ડસશીપ શિખર કરતા વધારે અઘરૂ ગણાતું શિખર છે.

આ પર્વતારોહણ માટે અમદાવાદના રૂષીરાજ મોરીના નેતૃત્વ હેઠળ ગુજરાતના કુલ ૩૭ લોકોની ટીમ નીકળી હતી જેમાથી ૨૪ લોકોએ સફળતાપુર્વક આરોહણ સફળ કર્યું હતું. આ પર્વતારોહકો છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા જેમાં દરરોજ ૫ કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેકિટસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ સાથે ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓની પસંદગી કરવામાં આવી હતી અને વિડિયો લેકટર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી. મનાલી પહોંચ્યા બાદ એક દિવસ માટે પોતાની તાલીમનો મહાવરો કરીને કોરોનાના સમયમાં ખુબ જ સાવચેતી પૂર્વક તમામ કાર્યો પાર પાડ્યા હતા.

 આ પર્વતારોહક દળ ૨૬ મી સપ્ટેમ્બરે અમદાવાદથી નીકળ્યું હતું તથા ૨૯ મી સપ્ટેમ્બરે ચઢાણની શરૂઆત કરી હતી અને ૩ ઓકટોબરે સવારે ૧૧ૅં૨૦ વાગ્યે શિખર સર કરી ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. મનાલી નજીક સજલાથી આ મિશન શરૂ થયું હતું અને છિકા, સેરી થઈ શિખર સુધી પહોંચ્યા હતા. ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈ પર રોકાણ કરીને માઈનસ ૧૦ ડિગ્રીના તાપમાને આ લોકોએ શિખર આરોહણ સફળતાપુર્વક પુર્ણ કર્યું હતું અને મોરબી જીલ્લાના ૩ યુવાનોએ આ શીખર સર કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

(11:32 am IST)