Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મોરબીમાં ઇવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં લોક

 મોરબી : ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. આજે મંગળવારે કલેકટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. આગામી ૩જી નવેમ્બરે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા ઇવીએમ રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચના નિયમોનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જે.બી. પટેલ તેમજ મોરબીના વિવિધ રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસમાંથી મોરબી પોલીટેકનીક કોલેજ ખાતે સીસીટીવી થી આવરી લેવામાં આવેલ નિયત કરાયેલ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ૬૫ – મોરબી વિધાનસભા બેઠક માટે ૪૧૨ મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે તદ્દનુસાર ૧૪૦ ટકા લેખે ૫૭૭ જેટલા બેલેટ યુનિટ અને ૫૭૭ કંટ્રોલ યુનિટ અને ૧૫૦ ટકા લેખે ૬૧૮ વીવીપેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે.સમગ્ર કાર્યવાહી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારી અને મોરબી માળીયા બેઠકના ચુંટણી અધિકારી ડી.એ. ઝાલા સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રોંગ રૂમમાં સલામત રાખેલ ઇવીએમ મશીનની તસ્વીર.

(11:33 am IST)