Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હવે તો સમજો...કોરોનાની સમજણ અંગે કોઇ રહે 'કોરો' ના સમજણ મોટી ઢાલ બને, જો વાર કરે કોરોના

 (નિતીન વસાણી દ્વારા) નવાગઢ, તા.૭: 'કોરોના', આ વર્ષનું સૌથી મોટું નામ, કે પછી બદનામ!, જેણે આખા વિશ્વને એક એવો જબરજસ્ત આંચકો આપ્યો છે જે વર્ષો સુધી નહીં ભુલાય. ચીનમાંથી શરૂ થયેલ, કે પછી શરૂ કરાયેલ આ વિષાણુએ જાણે દુનિયા પર એક પ્રલયના ધોરણે આક્રમણ કર્યું છે. આ એક અચાનક આવી પડેલ નવતર મુસીબત છે. આ વાઇરસ વિશે દુનિયા આખી તદ્દન અજાણ હતી. તબીબી જગત પણ હજી આ વિષાણુઓને ઓળખવામાં નિષ્ફળ ગયું હતું. પણ વિશ્વના દરેક વિજ્ઞાનીઓ તથા તબીબો એકજૂટ થઈને સંશોધનની પાછળ પડી ગયા, અને ધીરે ધીરે કોરોના વાઇરસ વિશે માહિતગાર થતાં ગયા. જગત આખું એને ઓળખતું થયું. તબીબો, વૈજ્ઞાનિકો, સરકારી અને બિન સરકારી પરિબળો વિગેરે ના પ્રયત્નોથી જેને એવિડન્સ બેઇઝડ મેડિસિન કહેવાય તે વડે સાતથી આઠ મહિનામાં અનુભવ ઉપરથી આ સંક્રમણને લગભગ ૮૦ ટકા સુધી નાથી શકાય તેવા પરિણામો મળવા લાગ્યા છે જે જગત આખા માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યું છે. વિષાણુ વિશેની સવિસ્તાર માહિતી અને સારવાર તબીબો ઉપર છોડી દો.

સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તો આટલી સફળતા પછી પણ સંક્રમણ માં વધારો શા માટે? કયાંક કશુંક ખૂટી રહ્યું છે?? કયાંક આપણે થાપ ખાઈ રહ્યા છીએ? ખામી કયા સ્તરે છે? તો એનો એક જ જવાબ છે લોકોમાં સામાન્ય સમજણનો અભાવ.....ા

આમ આદમી સુધી સદ્યળી માહિતી અને વિગતો આ રોગ વિશે ચારેબાજુથી પહોંચાડવામાં આવી રહી છે. ટીવી, રેડિયો, બીજા સોશિયલ મીડિયા, અખબાર, સેમિનારો, એન.જી.ઓ. દ્વારા પરિપત્રો, ચોપાનિયાઓ, સરકારી કવાયતો વિગેરે અનેક રીતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. પણ 'મને કાંઈ નહીં થાય'... અથવા 'એમાં કશું જ નથી'... જેવી લોકોની માનસિકતા એ અણસમજણની મોટી ખાઈ છે.

તજજ્ઞો અને તબીબોએ બહુ ભાર દઈને S.M.S વિશે સમજાવ્યું છે.

(૧) સોશિયલ ડીસ્ટન્સ,(૨) માસ્ક અને (૩) સેનિટેશન...

વિષાણુઓ શ્વાસોશ્વાસ સાથે ૪ થી ૬ ફૂટની દૂરી સુધી ફેલાઈ શકે છે, પણ કયાં જોવા મળે છે આ દુરી?? બજારો, લારી, પાનના ગલ્લા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, અનેક જાહેર સ્થળો, વિગેરે કોઈપણ જગ્યાએ આપણે આ તકેદારી રાખી છે?? બહાર નીકળવાની લ્હાયમાં અને એકબીજાને મળવાની ધૂનમાં આ અગત્યનું પાસું આપણે કેમ ભૂલી જઈએ છીએ!! શું આપણી આ એક અદની ફરજ નથી ? ....

ના....નથી .....!!! કારણ સમજણનો સંપૂર્ણ અભાવ ....

.....હવે તો સમજો....

માસ્ક એ એક સાવ હાથવગું, સસ્તુ, સરળ પણ આ રોગ સામે એક અમોદ્ય શસ્ત્ર સાબિત થયું છે. પણ કેટલાને સમજ છે ? માસ્ક વિશે નો આગ્રહ અને મહત્વ લોકોને ગળે નથી ઊતરતા... પણ અલબત્ત્। માસ્ક પોતે ખુદ ગળે ઉતરી જાય છે..!!! જે લોકો માસ્ક પહેરે છે, તે ફકત પોલીસ અને પોલીસ દ્વારા લેવાતા દંડના ડરથી જ પહેરે છે ...આ વિષાણુઓ નાક અને મોં વાટે સૌથી વધુ આપણને સંક્રમિત કરે છે. પણ કોને પડી છે?

...હવે તો સમજો....

વિષાણુઓથી સંક્રમિત કોઈ પણ વસ્તુને અડ્યા પછી એ હાથ, મોં, અને નાક વગેરે સુધી જતાં માણસને રોગ લાગુ પડે છે. અને માટે જ વારંવાર સાબુ થી ૪૦ સેકન્ડ સુધી, અથવા સેનીટાઇઝર થી ૨૦ સેકન્ડ સુધી વારંવાર હાથ ધોવા એ એક રોગ પ્રતિકારનું અગત્યનું પાસું છે.

મેં જાહેર જગ્યાએ ફકત નામ ખાતર સેનીટાઇઝર ની ખાલી બોટલો પડેલી જોઈ છે. શું આ આપણી સમજણની ઉણપ નથી? આપણને તેનુ કોઇ મહત્વ જ નથી!!

.... હવે તો સમજો....

બીજો અગત્યનો મુદ્દો વાહન વ્યવહારનો છે. સરકારી ગાઇડલાઇન પ્રમાણે ૫૦ ટકા મુસાફરો મોટા વાહનમાં માસ્ક અને સેનિટેશન સાથે મુસાફરી કરી શકે છે, પણ આ શું?? ચિક્કાર પ્રાઇવેટ બસો ...!!!! આઠથી દસ પેસેન્જરો સાથેની પ્રાઇવેટ ટેકસીઓ.... જાણે કોઈને કોરોનાનો ડર જ નથી, કે પછી પોતાની જાતની પડી જ નથી!! ખાસ કરીને અજાણ્યા મુસાફરો સાથેની આવી બેદરકારી ભરી મુસાફરી જીવલેણ નીવડી શકે છે.

.....હવે તો સમજો....

ધાર્મિક મેળાવડા, શુભ અને અશુભ પ્રસંગો, જાહેર કાર્યક્રમો, શું આપણે એકાદ વર્ષ સુધી મુલતવી ન રાખી શકીએ? સરકારે જાહેર કરેલ આંકડાઓ લોકો માટે ફકત આંકડાઓ જ રહી જતા હોય છે.. જયારે અંગત સ્વજન પર અથવા ખુદ પોતાના પર આફત આવે ત્યારે જ લોકોને બ્રહ્મજ્ઞાન થતું હોય છે...આટલી બેદરકારી? કે પછી એક જાતનો અહમ!!

'મને કાંઈ ન થાય એવું કહેનારા મોટાભાગના મિત્રોને સંક્રમિત થતા જોયા છે. કોરોના કોઈ માણસની અમીરી ગરીબી કે સામાજીક સ્તરને ઓળખતો નથી. તો શા માટે આપણે આપણી જાતની તકેદારી ન રાખી શકીએ ...દરેક નાગરિક ખુદ કોરોના વોરિયર બનીએ ....

શું આપણે આપણી નૈતિક ફરજ બજાવીને સમાજ, તબીબી આલમ, પોલિસ અને સરકારી તંત્ર પર નો આર્થિક અને સામાજિક એવો ૬૦ થી ૭૦ ટકાનો બોજો ઘટાડી ન શકીએ??

મિત્રો આપણા હાથમાં જ છે આ શસ્ત્ર. એક સાચી સમજણ નું શસ્ત્ર. જેને આપણે એક વાહિયાત વાત ગણી અને કાયમ અવગણીએ છીએ.

ફરજિયાત નોકરી અને ધંધા પર જતા લોકો પણ નિયમોનું ચુસ્ત પાલન કરી અને તેના પરિવારજનોને, વૃદ્ઘાવસ્થાએ પહોંચેલા વડીલોને અને બાળકોને આ મહામારી થી દૂર રાખી શકે છે.

...... હવે તો સમજો....

મિત્રો, મહામારી કુદરતી છે. તેમનો સામનો કરવો એ આપણા જ હાથમાં છે. તજજ્ઞો, વૈજ્ઞાનિકો, તબીબો, સરકારી તંત્ર તેની રીતે તનતોડ મહેનત કરી રહી છે. તો આપણે આ વૈશ્વિક સમસ્યા ને હલ કરવામાં આટલી નાની અમથી અગત્યની વાત સમજીને તેનું કડક પાલન કરીને.... અને કરાવીને આપણું પવિત્ર યોગદાન આખી માનવ જાતિ માટેચોક્કસ આપી શકીએ.

... હવે તો સમજો....

ચાલો....ગંભીર અને ભારે વાતો ખુબ થઇ....

કોરોનાથી ડરવું નથી જ....પણ ચેતવું તો છે જ

....હવે તો સમજો.....

સ્વસ્થ રહો...પોઝિટીવ રહો...આનંદિત રહો.. વેકિસનની રાહ જુઓ અને કોરોનાને મ્હાત કરીએ.(૨૩.૧૫)

લેખન

ડો.નાણાંવટી

જેતપુર

(12:48 pm IST)