Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જામનગરમાં મહિલાને લગ્નની લાલચ આપીને ૩૬.૮૨ લાખ પડાવનાર નાઇજીરીયન પાસેથી ૧૪ એટીએમ- પ સરકારી ઓળખકાર્ડ જપ્ત

સાયબર સેલ ટીમે બંનેના પ દિવસના રીમાન્ડ મેળવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગરની એક મહિલાની શાદી ડોટ કોમ પરથી ડિટેઇલ મેળવી નંબર મેળવ્યા હતા. અને લગ્નની લાલચ આપી રૂ.૩૬.૮૨ લાખની રકમની છેતરપીંડી કરી હતી. આ પ્રકરણમાં સાયબર સેલની ટીમે ન્યુ દિલ્હીમાંથી એક નાઈજેરીયન અને મહિલા સહિત બેને દબોચી લીધા હતા જે આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મેળવી તેની સધન પૂછપરછ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી બેન્કીંગ સહિતના ઇ ફ્રોડના બનાવો વધ્યા છે. જેમાં થોડા સમય પુર્વે જામનગરના એક મહિલા સાથે શાદી ડોટ કોમ પરથી નંબર મેળવી વાતોમાં ફસાવી થકી વિશ્વાસ પ્રસ્થાપિત કરી લગ્નની લાલચ આપી ગિફટ અપાવવાના બહાને જુદા જુદા સમયે રૂ.૩૬.૮૨ લાખની રકમ તફડંચી કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ હતી. જેની તપાસ જામનગર સાયબર સેલે હાથ ધરી હતી.જે દરમિયાન સાયબર સેલની ટીમે આરોપીઓનુ લોકેશન ટ્રેસ કરી દિલ્હી સુધી તપાસમાં પહોંચી હતી. આ મામલે દ્યનિષ્ઠ તપાસ બાદ પોલીસે લોકેશન ટ્રેસ કરી છેતરપીંડી પ્રકરણમાં બે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં નાઇજેરીયાના જહોન ચીબુઝોર ઇઝરાઇલ અને સવિતા ઇરપ્પા વાલેકર(રે.બંને હાલ ઓયોસીંગ હોટલ પાસે, ઝન્કાર રોડ,ગોયલા ડેરી, કુતુબબીહાર-ન્યુ દિલ્હીથી સકંજામાં દબોચી લીધા હતા.જેના પોલીસે પાંચ દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ચીટર ટોળકીના બન્ને પાસેથી પોલીસે ૧૪ એટીએમ, જુદા-જુદા ૫ સરકારી ઓળખ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે

જામનગર સાયબર સેલે પકડાયેલા આરોપીના કબજામાંથી ૧૩ જેટલા મોબાઇલ અને ટેબલેટ,અલગ અલગ સીમ કાર્ડ, ત્રણ પેન ડ્રાઇવ,છ મેમરીકાર્ડ, જુદાજુદા પાંચ સરકારી ઓળખકાર્ડ,જુદી જુદી બેન્કોના ૧૪ એટીએમ કાર્ડ,ઇમીટેશન જવેલરી સહિત રૂ.૧.૯૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ મથકને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:07 pm IST)