Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કચ્છના સાંસદની ઓફિસના બે કર્મચારીને કોરોના

ધોરાજીના નાયબ મામલતદાર ખીમાણીને પોઝીટીવ : ભાવનગર-૨૦, મોરબીમાં ૧૮ કેસ

રાજકોટ,તા. ૯: સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. દીવસે-દીવસે અનેક લોકો સંક્રમિત થઇ રહ્યાના અહેવાલો મળે છે.

ભુજ

મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ ડીટેકટ થયો છે. ભુજ મધ્યે કલેકટર ઓફીસના કમ્પાઉન્ડમાં આવેલ સાંસદની ઓફીસ મધ્યે આ કર્મચારીઓ કામ કરે છે. તેમને કોરોના ડીટેકટ થતાં સાંસદ વિનોદ ચાવડાએ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન તેમની ઓફિસની મુલાકાત લેનાર મુલાકાતીઓને સેલ્ફ કવોરેન્ટાઈન રહેવા સુચન કર્યું છે.

ધોરાજી

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે ત્યારે ધોરાજીની પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એસ.એ.ખીમાણીને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવેલ છે અને જે લોકો નાયબ મામલતદાર ખીમાણીના કોન્ટેકમાં આવેલ લોકોએ કોરોના ટેસ્ટ કરાવો હિતાવહ છે.

ભાવનગરમાં ૬૧ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામા વધુ ૨૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૪૩૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૃષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના માળવાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૩ અને તાલુકાઓના ૨૮ એમ કુલ ૬૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

 જિલ્લામા નોંધાયેલા ૪,૪૩૧ કેસ પૈકી હાલ ૩૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે કુલ ૪,૦૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જીલ્લામાં દદીઓ ડીસ્ચાર્જ

મોરબી : જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો વધુ ૧૮ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.

મોરબી જીલ્લામાં એકટીવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે જયારે રીકવરી રેટ વધી રહ્યો છે આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૬ કેસોમાં ૦૮ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં તેમજ ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ ૧૮ કેસ નોંધાયા છે જયારે વધુ ૧૮ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૮૬૧ થયો છે જેમાં એકટીવ કેસની સંખ્યા ૧૮૯ છે જયારે ૧૫૭૦ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે એકટીવ કેસનો આંક સતત દ્યટી રહ્યો છે તો રીકવરી રેટ વધી રહ્યો હોય તેવું ચિત્ર દર્શાવાઈ રહ્યું છે.

(11:22 am IST)