Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગુજરાત કો.ઓ.બેંક ફેડરેશનના ડિરેકટર પદે ચુંટાતા જીતુ ઉપાધ્યાય

ભાવનગર બોટાદની બેંકોના હોદ્દેદારોએ નામ સુચવ્યું હતુ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : ગુજરાતની ૨૧૮ શહેરી સહકારી બેંકોના સંગઠન ગુજરાત અર્બન કો.ઓ. બેંકના ફેડરેશનના ભાવનગર બોટાદ જિલ્લાની બેંકોના ડિરેકટર તરીકે ભાવનગર નાગરીક સહકારી બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાય બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. ૨૦૧૫ થી ૨૦૨૦ના પાંચ વર્ષ દરમિયાન પણ તેઓ આ વિભાગમાં ડીરેકટર હતા અને આ બીજી વાર ચુંટાયા છે.

ભાવનગર - બોટાદ જિલ્લા સહકારી બેંક એશો.ના ઋષિભાઇ પંડયાના પ્રમુખપદે તળાજા ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં જીતુ ઉપાધ્યાયની ગત વર્ષની કામગીરી તેમજ તેમની સહકારી કાયદા અને બેંકીંગ નોલેજ તથા વણઉકેલ પ્રશ્નોમાં રજૂઆત કરવાની ધગશ અને સક્રિયતાને લક્ષમાં રાખીને તમામ બેંકોના હોદ્દેદારોએ આ નિર્ણય લીધેલ હતો. ઋષિભાઇ પંડયા અને તળાજા નાગરીક બેંકના ચેરમેન ચંદ્રેશભાઇ સરવૈયા ઉપરાંત બોટાદ પીપલ્સ કો.ઓ.બેંકના ચેરમેન અમૃતભાઇ પટેલ અને મે.ડીરેકટર જીવરાજભાઇ કળથીયાએ જીતુ ઉપાધ્યાયને ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેરેશનમાં મોકલવાનો પ્રસ્તાવ મુકયો હતો. જે પ્રસ્તાવને સિહોર મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન નીતીનભાઇ મહેતા મે. ડીરે. અનિરૂધ્ધભાઇ પંડયા, સિહોર નાગરીક બેંકના ચેરમેન રાજેન્દ્ર જાની, મહુવા નાગરીક બેંકના ચેરમેન બિપીનભાઇ સંઘવી વતી વાઇસ ચેરમેન તેજાભાઇ સેંતા, બોટાદ મર્કન્ટાઇલ બેંકના ચેરમેન ધર્મેન્દ્રભાઇ વડોદરીયા, મહિલા નાગરીક બેંકના ચેરમેન નીલાબા જાડેજા તથા મે. ડીરેકટર ડો.શોભનાબા જાડેજા સહિતનાએ સમર્થન આપતા જીતુ ઉપાધ્યાયે સર્વાનુમતે નકકી થયા મુજબ ગુજરાત અર્બન કો.ઓ. બેંકના ડિરેકટરોની ચુંટણીમાં ભાવનગર બોટાદ વિભાગમાંથી ડીરેકટર પદે ઉમેદવારી નોંધાવેલ અને તેઓ બિનહરીફ ચુંટાયા હતા.

કુલ રર ડિરેકટરોની ગુજરાતના જૂદા જૂદા વિભાગોમાંથી ચુંટણી યોજાયેલ જેનું સત્તાવાર પરિણામ ફેડરેશનની હવે પછી મળનાર વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરશે.(૪૫.૨)

 

ઉના તાલુકાના મેણ અને વરસીંગપુર સીમમાં ૩૪.૭૧ લાખની ખનીજ ચોરી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૯ :..  તાલુકાના મેણ ગામે માલીકીની જમીનમાં તથા વરસીંગપુર ગામની સીમાં સરકારી ગૌચરણ જમીનમાં ગેરકાયદેસર ખનન કરી કુલ ૩૪ લાખ ૭૧ હજારની ખનીજ ચોરીની ફરીયાદ જીલ્લા ભુસ્તર અને ખનીજ વિભાગના અધિકારીએ નોંધાવી છે.

ગીર સોમનાથ જીલ્લાનાં રોયલ્ટી ઇન્સ્પેકટર વિપુલભાઇએ ઉના પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે કે ઉના તાલુકાનાં વરસીંગપુર ગામની સીમમાં ગૌચર જમીન ઉપર કોઇપણ જાતની મંજૂરી લીધા વગર કે લીઝ લીધા વગર ભરત દાનાભાઇ પટાટ રે. ઉના ત્થા વેરાવળના અન્ય બે શખ્સોએ ચકરડી ત્થા મશીન વડે ખનીજનું ખન્ન કરી ખોદકામ કરી ર૧૧૦ મેટ્રેકટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખોદી વેચી નાખી કુલ રૂપિયા ૧૩ લાખ ર૧ હજાર ૩૭૧ ની ખનીજ ચોરી ત્થા પર્યાવરણને નુકશાન કર્યાની ફરીયાદ દાખલ કરી છે.

બીજા બનાવમાં ઉના તાલુકાનાં મેણ ગામની સીમમાં સર્વે નંબર ૧૮ માં માલીકીની જગ્યામાં મહેશભાઇ કરશનભાઇ રે. કંસાટીવાળા ત્થા અન્ય શખ્સોએ માલીકીની જમીનનાં કાદામાં કોઇપણ જાતની લીઝ મંજૂર કરાવ્યા વગર પરમીટ વગર સાધનોથી  ખન્ન કરી ૪ર૬પ મેટ્રીકટન ખનીજ બિલ્ડીંગ લાઇમ સ્ટોન કાઢી વહન કરી વેંચી નાખી રૂ. ૧૭ લાખ ૬ હજાર ૧૦૦ ની ખનીજ ચોરી તથા પર્યાવરણને નુકશાન કર્યાનો દંડ ૪ લાખ ૪૩,પ૮૬ મળી કુલ રૂપિયા ર૧ લાખ ૪૯ હજાર ૬૮૬ રૂપિયાની ખનીજ ચોરી કર્યાની ગીર સોમનાથ જીલ્લાનાં ભુસ્તર વિજ્ઞાન - ખનીજ ખનન વિભાગનાં અધિકારી જગદીશભાઇ એસ. વાઢેર રે. ગીર સોમનાથ ફરીયાદ નોંધાવી હતી. તેમજ વરસીમપુર ગામની સીમમાં જયાં ખોદકામ કરેલ ત્યાંથી ૧ જે. સી. બી. ૧ ચકડી પણ કબજે કરી હતી.?

(11:26 am IST)