Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

૧૦ ઓકટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે!..

માનસિક સ્વસ્થતા બહુ મોટી મિલ્કત માનો

(વિપુલ હિરાણી)ભાવનગરઃવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઇ.સ.૧૯૯૨થી દર વર્ષે ૧૦ ઓકટોબરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાનાં નેતૃત્વમાં મનાવવામાં આવે છે, જે દિવસે સમગ્ર વિશ્વમાં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો સવિશેષ પ્રયત્ન ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રવૃતિઓથી કરવામાં આવે છે. અને માનસિક સ્વાસ્થ્યને સમર્થન આપવાનાં વિશેષ પ્રયત્નો કરવા માટેનો એકંદર ઉદ્દેશ રાખવામાં આવે છે.અને આ આખું અઠવાડિયું માનસિક સ્વાસ્થ્ય સુધારતી ટૂંકી કે મોટી ફિલ્મો જોવી,માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવાનું પ્રારંભ કરવું, તણાવ સ્ટ્રેસ વિશે માહિતગાર થવું, આપણને સપોર્ટ આપતા સ્નેહીઓ મિત્રોનું નેટવર્ક વિકસાવવું, વ્યવસાયિક સુખાકારીની વ્યૂહરચના બનાવવી વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

હાલમાં જ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ફેડરેશનનાં પ્રમુખ મેડમ ઇન્ગ્રીડ ડેનિયલ્સે સમગ્ર વિશ્વને સંદેશ આપતાં જણાવ્યું છે કે કોવિડ -૧૯ ને કારણે હાલમાં વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીની આખું વિશ્વ અભૂતપૂર્વ અસર અનુભવી રહ્યું છે. જેણે કરોડો લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી છે, આપણે જાણીએ છીએ કે અસ્વસ્થતા, ભય, અલગતા, સામાજિક અંતર, પ્રતિબંધો, અનિશ્યિતતા અને ભાવનાત્મક તકલીફના સ્તર વ્યાપક બન્યા છે કારણ કે વિશ્વમાં વાયરસને નિયંત્રણમાં લાવવા અને તેના નિરાકરણો શોધવા માટે બધાં જ દેશો સંઘર્ષ જ કરી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (૨૦૧૮)નાં આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં દર ૪૦ સેકન્ડમાં એક વ્યકિત આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. અને વર્ષે દહાડે આ આંક ૮ લાખ થી વધુ લોકોનો બને છે! જે યુદ્ઘ અને હત્યા દ્વારા મૃત્યુ પામેલા લોકો કરતાં વધારે છે.

આત્મહત્યા એ ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા લોકોમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. વૈશ્વિક આત્મહત્યાના ૭૯્રુ જેટલા કિસ્સાઓ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં થાય છે. દરેક આત્મહત્યા એક દુર્ઘટના છે જે પરિવારો, સમાજો અને સમગ્ર દેશોને અસર કરે છે અને પાછળના લોકો પર લાંબા સમયની અને વિનાશક અસરો કરે છે.

અત્રે મહત્વનું છે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ૨૦૨૦ માટેની થીમ છે... માનસિક આરોગ્ય સૌને માટે- બહુ મોટી જરૂરિયાત, જે બધાં માટે જ મેળવવું સરળ બને.

ડબ્લ્યુ.એચ.ઓની સત્ત્।ાવાર માહિતી મુજબ ભારત દેશમાં હાલ લગભગ ૨૦ કરોડ લોકો એક અથવા બીજી માનસિક બીમારીઓનો શિકાર છે. દેશનો દર સાતમો નાગરિક માનસિક બીમારીથી પીડાય છે .જેમાં મુખ્યત્વે ડીપ્રેશન અને ચિંતા વ્યાધિ ધરાવતા લોકો છે. બીજી મુખ્ય બીમારીઓ ગાંડપણ, ઊંઘ અને ભૂખને લગતી બીમારીઓ અને મૂડમાં મોટા પાયે આવતા ચડાવ ઉતારની બીમારી છે. આમાંથી લગભગ ૫ થી ૭ કરોડ જેટલાં લોકોને વ્યવસ્થિત માનસિક સારવારની જરૂર છે. હાલ તો આપણાં દેશમાં કુલ વસ્તીના ૨૫% પુખ્તવયનાં વ્યકિતઓ ડિપ્રેશનનો શિકાર છે. તેમ ડો.રાજેશ્રી બોસમીયા દ્વારા જણાવાયું છે.

ડો. રાજેશ્રી બોસમીયા

(11:33 am IST)