Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ૮૮માં વાયુસેના દિવસની ઉજવણી

જામનગરઃ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં  ૮૮ માં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક 'સાયકલ રેલી' યોજવામાં આવી હતી જેમાં અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ સફળતાપૂર્વક ૧૪ કિ.મી.નું અંતર પૂર્ણ કર્યું હતું. આ તકે 'હું વાયુ સેનાનો અધિકારી કેમ બનવા માંગું છું?' વિષય પર એક વેબિનાર પણ યોજાયો હતો. આ વેબિનાર વિડીયો કોન્ફરન્સ દ્વારા ધોરણ ૧૧ના કેડેટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સાથે સાથે વાયુ સેના પરની ડોકયમેન્ટ્રી પણ બતાવવામાં આવી હતી. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે,  ધોરણ ૬ થી ૮ અને ૯ થી ૧૨ એમ બે કેટેગરીમાં 'ફાઇટર એરક્રાફ્ટ મોડેલ મેકિંગ કોમ્પિટિશન'નું પણ ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેડેટ્સે માટી, કપાસ, કાદવ, કાર્ડબોર્ડ, વાયર, કાગળ વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ ફાઇટર એરક્રાફ્ટના મોડેલો તૈયાર કર્યા હતા. તેમાં ધોરણ ૬ થી ૮ના કેટેગરીમાં કેડેટ અંશુ કુમાર અને કેડેટ મોહમ્મદ સાહિલે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જયારે ત્રીજુ સ્થાન કૌશિક દાસ અને અંજો પલમત્તમ એમ બે કેડેટે પ્રાપ્ત કર્યું હતું. જયારે ધોરણ ૯ થી ૧૨ ની કેટેગરીમાં કેડેટ નીલ પટેલ, કેડેટ શિવમ સિંહ અને કેડેટ જીલ કુમારે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જયારે ધોરણ ૯ના કેડેટ અથર્વ શાહને ગાજરથી વિમાન મોડેલ બનાવવા માટે વિશેષ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સીપલ ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે દરેકને  અભિનંદન પાઠવ્યા હતા અને ભારતીય વાયુસેનાના મૂળ અને મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કેડેટ્સને સંરક્ષણ સેવાઓમાં જોડાવા અને દેશની સેવા કરવા પ્રેરણા આપી. તેમણે ભારતીય વાયુસેના દ્વારા મેળવેલ રોમાંચ અને સાહસને અન્ય કોઈપણ સેવા કરતા અદ્વિતીય છે તેમ જણાવ્યું હતું.(તસ્વીર, અહેવાલઃ મુકુંદ બદિયાણીઃજામનગર)

(12:51 pm IST)