Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

તલાટી મંત્રીઓને સોગંદનામાની આપેલ સતાના વિરોધમાં કેશોદ બાર એસોસીએશનનું આવેદન

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા.૯ : ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના તલાટી મંત્રીશ્રીઓને સોગંદનામા કરવાની આપેલ સતાના વિરોધમાં કેશોદ બાર એસોસીએશને મુખ્યમંત્રીશ્રી ગુ.રા.ને સંબોધી એક આવેદનપત્ર કેશોદના ડેપ્યુટી કલેકટરને આપેલ છે.

કેશોદ બાર એસોસીએશન દ્વારા આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા બહાર પડાયેલ નોટીફીકેશનમાં ઓન ઓથ એકટમાં કાયદાની પ્રક્રિયા વગર લાયકાત જોયા વગર તેમજ સ્ટેમ્પ એકટમાં સુધારો કર્યા વગર સોગંદનામાની તમામ સત્તા તલાટી કમ મંત્રીઓને જે એકઝી. મેજી. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ નોટરીના પાવર આપેલ જે સી.આર. પી.સી., સી.પી.સી. અને ઓથ એકટની બંધારણીય જોગવાઇની વિરૂદ્ધ છે.

આ આવેદનપત્રમાં વિશેષમાં જણાવેલ છે કે હાલ ખેડૂતોના ઓનલાઇન કામ તેમજ નિયમિત ગામડે હાજર રહી પ્રજાજનોની સેવા કરવી જોઇએ તે તલાટી સંતોષકારક રીતે કરતા નથી તે તમામ ધારાસભ્યો અને સંસદસભ્યો જાણે છે. ઘર આંગણે સેવાના બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે. આથી જુનીયર વકીલો અને રેવન્યુ પ્રેકટીસ સાથે જોડાયેલા તેમજ પીટીશન રાઇટર જે તેમની આર્થિક મુખ્ય રોજગાર ઉપર આ પરિપત્રથી આવક છીનવાઇ ગઇ છે. સરકારે વકીલો માટે કોવિડ-૧૯માં કોઇ સહાય કાયદાકીય પણ કરી નથી. આમ છતાં પી.એમ. ફંડ કોવિડ-૧૯માં બાર એસોસીએશન સ્વૈચ્છીક ફાળો આપેલ છે.

કેશોદ બાર એસો. દ્વારા આવેદનપત્રના અંતમાં જણાવેલ છે કે તાત્કાલીક અસરથી આ પરીપત્ર સરકાર પરત ખેંચશે નહીં તો જલદ કાર્યક્રમો આપવામાં આવશે તથા સરકારને અમારા લેવલે મદદ અને  સહકાર બંધ કરી ગાંધી ચિંધ્યા રાહે પગલા લઇ નાછુટક ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ સરકારની કાયદાકીય ભૂલોને પ્રજાજનો વચ્ચે લઇ જઇ જનજાગૃતિ કાર્યક્રમો આપવામાં આવશે જેની ગંભીર નોંધ લઇ અમારી ન્યાયીક માંગણી અંગે યોગ્ય કરવા આવેદનપત્રમાં જણાવેલ છે.

(12:51 pm IST)