Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોરબી : રસોઇ મુદ્દે થયેલી તકરારમાં બેની ઘાતકી હત્યા

યુવકે માતા અને બહેનની હત્યા કરી : મોરબીના જીકિયારી ગામે રહેતા એક યુવકે પોતાની સગી માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી

મોરબી, તા. ૮ : મોરબીના જીકીયારી ગામે શનિવારે રાત્રે બેવડી હત્યાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. મોરબીના જીકિયારી ગામે રહેતા એક યુવકે પોતાની સગી માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી. ગઈકાલે રાત્રે મોરબીના જીકીયારી ગામમાં માતા અને બહેન વચ્ચે જમવાનું બનાવવા મામલે વિવાદ થતા આ યુવક એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે પોતાની માતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ડબલ મર્ડરની ઘટનાથી ગામના લોકો પણ ચોંકી ગયા હતા અને તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી નજીકના જીકીયારી ગામમાં રાત્રે ભોજન બનાવવાની વાતને લઈને માતા અને બહેન વચ્ચે ઘરમાં થયેલા વિવાદ બાદ કોઈએ રસોઈ બનાવી નહોતી. જેના કારણે ગુસ્સે ભરાયેલા દીકરાએ રાત્રે ધારિયાના ઘા ઝીંકીને માતા અને બહેનની હત્યા કરી દીધી હતી. આ ઘટનાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસે આ ઘટના વિશે વધુ વાત કરતા જણાવ્યું કે ગઈકાલે રાત્રે ઘરમાં રસોઈ બનાવવા બાબતે યુવકની તેની માતા અને બહેન સાથે માથાકૂટ થઈ હતી કે જેનો કરુણ અંજામ આવ્યો છે. દેવશી નામના યુવાને પોતાની સગી માતા કસ્તુરીબેન અને બહેન સંગીતાબેનને ગળાના ભાગે ધારિયાના ઘા મારીને હત્યા કરી દીધી છે.

(9:43 pm IST)