Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાલે સૌરાષ્ટ્ર - કચ્છની ૫ વિધાનસભા બેઠકોની ચૂંટણીનું પરિણામ

બપોર સુધીમાં પરિણામ જાહેર થઇ જશે : મતગણતરી કેન્દ્રો ઉપર કોરોનાને લઇને નિયમોનું પાલન કરાશેઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ તા. ૯ : સૌરાષ્ટ્ર - કચ્છની ૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તા. ૩ને મંગળવારે યોજાઇ હતી જેનું કાલે તા. ૧૦ને મંગળવારે પરિણામ જાહેર થશે.

સવારના ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે. મતગણતરી કેન્દ્રો ખાતે કોરોના મહામારીના કારણે કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરાશે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

કચ્છના અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી, મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા સામે જયંતિભાઇ પટેલ, ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસના મોહનભાઇ સોલંકી, ધારી બેઠકમાં ભાજપના જે.વી.કાકડિયા સામે કોંગ્રેસના સુરેશ કોટડિયા, લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ચેતન ખાચર મેદાનમાં છે. જેમાં કાલે કોણ જીતે છે ? તે ફાઇનલ થઇ જશે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને ૧-અબડાસા મતવિસ્તાર પેટા ચુંટણી ૨૦૨૦ની મતગણતરીની કામગીરીના સુચારૂ આયોજનની સમીક્ષા બેઠક ભુજ મધ્યે યોજાઇ હતી. કાલે સવારે ૮ કલાકે સીવીલ એન્ડ એપ્લાઈડ મીકેનીકલ બિલ્ડીંગ સરકારી ઈજનેરી કોલેજ, ભુજ ખાતે હાથ ધરવામાં આવનાર મતગણતરી કેન્દ્રમાં ૪૩૧ મતદાન મથકોના મતોની ગણતરી કરાશે. કુલ ત્રણ કાઉન્ટીંગ હોલમાં થનાર ગણતરી પૈકી બે હોલમાં ઈવીએમ મશીન અને ૧ હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. સમયબધ્ધ અને તબક્કાવાર સુચારૂ રીતે મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા તેમાં સંકળાયેલ કચેરીઓ અને અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. તેમજ નાયબ ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિએ અમલીકરણની કામગીરી અને આગોતરા આયોજનનો તાગ મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરા પાડયા હતા.

મતગણતરીના દિવસે જરૂરી સંશાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલ કર્મીઓ, ઉમેદવારો અને અધિકારીઓ અને સ્થળ તમામને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની ગાઈડલાઇન અનુરૂપ તૈયાર કરી તેમજ તેને અનુસરીને આ ગણતરી કરવામાં આવનાર છે.

અંદાજે ૩૨ રાઉન્ડમાં થનાર કાઉન્ટીંગ અને તમામ કામગીરીમાં અંદાજે ૭૦૦ જેટલા ચુંટણી કર્મીઓ આ દિવસે ફરજ નિભાવશે.

આ બેઠકમાં સર્વશ્રી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, અબડાસા મતવિસ્તાર ચુંટણી અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિ તેમજ સબંધિત કચેરીઓના સંકળાયેલા અધિકારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

સુરેન્દ્રનગર

વઢવાણ - સુરેન્દ્રનગર : ૬૧-લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. ૩ નવેમ્બરના રોજ યોજાયેલા મતદાન દરમિયાન લીંબડી મતદાર વિભાગના ૮૮,૮૦૫ પુરૂષ અને ૬૮,૭૬૭   સ્ત્રી મતદારો મળી કુલ ૧,૫૭,૫૭૨ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં આ મતદાર વિભાગમાં ૫૮.૦૧ ટકા મતદાન નોંધાયું હતુ. જેને ધ્યાને લઈ આગામી તા. ૧૦ મી નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર સ્થિત એમ. પી. શાહ આટર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારે ૮ -૦૦ કલાકથી હાથ ધરાનાર મતગણતરીની પ્રક્રિયા દરમિયાન કોરોનાની મહામારીને ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન થાય તે માટેની સઘન વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કે. રાજેશ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભરત જોષી અને ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી એચ. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારી - કર્મચારીઓ આ માટે સઘન કામગીરી કરી રહયાં છે.

મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે આ મત ગણતરી સેન્ટર ઉપર ત્રિ-સ્તરીય ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મતગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:02 am IST)