Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

લંપટ ધવલ ત્રિવેદીનાં ગાંધીનગર સીબીઆઇ ટીમ રિમાન્ડ માંગશે

ચોટીલાની સગીરાને લઇને કયાં-કયાં ગયોતો? અન્ય કોઇ કાંડમાં સંડોવણી સહિતના મુદ્દે તપાસ કરશે

રાજકોટ-વઢવાણ-ચોટીલા તા. ૧પઃ લંપટ ધવલ ત્રિવેદી હિમાચલ પ્રદેશથી ઝડપી લીધા બાદ હવે ગાંધીનગર સીબીઆઇ ટીમ તેના રિમાન્ડ માંગીને વિવિધ મુદ્દે તપાસ હાથ ધરશે.

દિલ્હી ક્રાઇમ બ્રાંચ અને સીબીઆઇએ ધવલ ત્રિવેદી સઘન પૂછપરછ શરૂ કરી છે. તે માત્ર તરૂણી અને યુવતીઓને ફસાવવામાં જ સંડોવાયેલ છે કે અન્ય કોઇ કાંડમાં પણ સામેલ છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ પૂછપરછ પૂર્ણ થયા બાદ તેને ગાંધીનગર સીબીઆઇને સોંપવામાં આવશે.

સાતથી વધુ તરૂણી અને યુવતીને શિકાર બનાવનાર ધવલ ત્રિવેદીને ઝડપી લેવા માટે સીબીઆઇએ રાજય શિક્ષણ બોર્ડ, સેન્ટ્રલ સ્કૂલ બોર્ડ અને યુજીસીની પણ મદદ માગી હતી. આ ઉપરાંત દરેક રાજયને તેના ફોટા સહિતની માહિતી મોકલી હતી.

નવ નવ યુવતીની જિંદગી બરબાદ કરનાર લંપટ આચાર્ય ધવલ ત્રિવેદી ચોટીલાની યુવતીને ભગાડીને ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજયોમાં લઇ ગયો હતો, ધવલ ત્રિવેદીને પકડવા માટે સીબીઆઇ એ તમામ રાજયોની પોલીસને તેની હકીકત મોકલી હતી, જે બાબતથી વાકેફ થતાં ધવલ ત્રિવેદી દર પંદર દિવસે સ્થળ બદલી નાખતો હતો, વારંવાર શહેર અને રાજય બદલવાને કારણે યુવતી કંટાળી ગઇ હતી અને આ મુદ્દે ઝઘડો થતાં ધવલ ત્રિવેદી બિહારમાં યુવતીને મૂકીને નાસી ગયો હતો. ધવલ છોડી જતાં યુવતીએ બિહારી યુવાનને પોતાની દાસ્તાન કહી હતી, યુવતીની વાત સાંભળી બિહારી યુવાન ત્રણ મહિના પૂર્વે યુવતીને ચોટીલા મૂકી ગયો હતો.

અંગ્રેજી ભાષા સાથે એમ.એ. સુધી અભ્યાસ કરનાર ધવલ ત્રિવેદી આઠ ભાષા જાણતો હતો. ચોટીલાની યુવતીને ભગાડયા બાદ તેણે શીખ તરીકેની ઓળખ ઉભી કરી હતી, તેણે મુખ્તીયારસિંઘ, સતનામસિંઘ અને સુરજીતસિંઘ નામ ધારણ કર્યા હતા. અને જુદા જુદા શેર અને રાજયોમાં જુદા જુદા નામનો ઉપયોગ કરતો હતો.

(11:42 am IST)