Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોરબીમાં ગેસનો બાટલો ફાટતાં દાઝી ગયેલા વ્હોરા દંપતિનું મોતઃ ૬ વર્ષનો દિકરો ગંભીર

૧૧મીની ઘટનામાં હુશેન નગરીયા (ઉ.વ.૩૫) અને પત્નિ શકિના નગરીયા (ઉ.વ.૩૦) રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં: સવારે વારાફરતી દમ તોડ્યોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૪: ચાર દિવસ પહેલા મોરબીમાં ગેસનો બાટલો ફાટતાં દાઉદી વ્હોરા દંપતિ અને તેનો ૬ વર્ષનો પુત્ર દાઝી ગયા હતાં. ત્રણેયને મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે વારાફરતી પતિ-પત્નિા મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી લીલાપર રોડ પર ફખરી પાર્કમાં રહેતાં હુશેન મહમદહુશેન નગરીયા (ઉ.વ.૩૫) અને તેના પત્નિ શકિના હુશેન નગરીયા (ઉ.વ.૩૦) તથા પુત્ર આરન (ઉ.વ.૬) તા. ૧૧ના સવારે સાડા આઠેક વાગ્યે ઘરમાં હતાં ત્યારે ગેસનો બાટલો ફાટતાં આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે સવારે પહેલા પતિનું અને બાદમાં પત્નિનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સદ્દભાવના હોસ્પિટલમાંથી આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં સાજીદભાઇ ખિરાણી, કૃપાલસિંહ, બ્રિજરાજસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મુળ ધોરાજીના વતની હતાં. બે વર્ષથી મોરબી સ્થાયી થયા હતાં. મોરબી પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરે છે.

(11:46 am IST)