Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પોરબંદરમાં પૂ.રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી સાંદીપનિમાં શ્રી રામનવમી મહોત્‍સવ ઉજવાયો

શ્રી હરિમંદિરમાં ચોપાઇઓ-સંકિર્તનનું ગુરૂજનો-રૂષિકુમારો દ્વારા સંગીતમય શૈલીમાં ગાનઃ અભિષેક, પૂજન, અલૌકીક શણગાર, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮: શ્રીરામનવમીના પરમ પાવન ઉત્‍સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે શ્રીહરિ મંદિરના સવારે સર્વે શિખરો પર નૂતન ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યુ હતુ. ત્‍યારબાદ મધ્‍યાહ્નમાં તુલસીદાસજીની શ્રીરામચરિત માનસના બાલકાંડમાં વર્ણિત શ્રીરામ જન્‍મોત્‍સવની મંગલમયી ચોપાઈઓ તથા સંકીર્તનનું સાંદીપનિ સંસ્‍કૃત પાઠશાળાના ગુરુજનો અનેᅠ ઋષિકુમારો દ્વારા સુમધુર રાગમાં સંગીતમય શૈલીમાં ગાન કરવામાં આવ્‍યુ .

ત્‍યારબાદ મધ્‍યાહન સમયે બરાબર બપોરે ૧૨ વાગ્‍યે શ્રીહરિમંદિરના મુખ્‍યાજી દ્વારા શ્રીરામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખોલવામાં આવ્‍યા ત્‍યારે ઉપસ્‍થિત સૌ ઋષિકુમારો અને ભાવિકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે જયઘોષ કરીને શ્રી રામજન્‍મોત્‍સવના વધામણાં અને દર્શન કર્યા હતા. શ્રીહરિમંદિરના મુખ્‍યાજી દ્વારાᅠ બાલસ્‍વરૂપ શ્રી રામજીને પંચામૃતથી સ્‍નાન કરાવીને વિવિધ દ્રવ્‍યોના જળ વડે અભિષેક કરવામાં આવ્‍યો અને એ સાથે વિધિવત મંત્રોચ્‍ચાર સાથે બાળ સ્‍વરૂપ શ્રીરામજીની મુખ્‍યાજી દ્વારા પૂજા કરાવવામાં આવી અને આરતી ઉતારવામાં આવી. ત્‍યારપછી શ્રીરામજન્‍મોત્‍સવની બધાઈ ગાન સાથે શ્રીસીતારામજીની ઉત્‍સવ મૂર્તિને પારણામાં પધરાવવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્‍યા. શ્રીહરિમંદિરના મુખ્‍યાજી તથા શ્રીરામનવમીના મુખ્‍ય મનોરથી શ્રીહરિ મંદિરમાં જન્‍મોત્‍સવના દર્શનમાં પધારેલા સર્વે ભાવિકોને રમકડા અને ચોકલેટ આપીને શ્રીરામજન્‍મની બધાઈ આપી હતી. અંતે ઉત્‍સવના મનોરથી શ્રીગીતાબેન પારેખ અને ગુરુજનો દ્વારા ઉત્‍સવ સ્‍વરૂપ શ્રીરામજીની મંગલ ઉત્‍સવ આરતી ઉતારવામાં આવી. આરતી બાદ મુખ્‍ય મનોરથીનું મુખ્‍યાજી શ્રીરમણીકભાઈ જોશી દ્વારા ઉપરણા અને પ્રસાદ આપી અભિવાદન કરવામાં આવ્‍યું.ᅠ

આ મંગલમય અવસરે શ્રીહરિ મંદિરમાં શ્રીરામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્‍ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્‍યો હતો. મધ્‍યાહ્ન સમયે અને સાંજે શ્રીજાનકીવલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનનો અનેક ભાવિકોએᅠ લાભ લીધો હતો તેમજ સૌને પ્રસાદ આપવામાં આવ્‍યો હતો.

(10:14 am IST)