Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોરબીમાં રૂપાલા – ભાજપના હોર્ડિંગ્સ બેનરો હટાવવા ફરિયાદો નોંધાઈ

બુધવારે એક જ દિવસમાં 9 ફરિયાદ, કુલ 29 ફરિયાદ નોંધાઇ

( પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબીતા.૧૮ : ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે રણમોરચો ખોલી ગામે ગામ આવેદનો આપ્યા બાદ હવે આચારસંહિતા ભંગની ફરિયાદોનો મારો ચલાવવાનું શરૂ થયું છે જેમાં મોરબી અને વાંકાનેરમાં 9 ફરિયાદો થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રકાશકના નામ વગરના તમામ હોર્ડિંગ્સ હટાવી કામગીરી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વ્યાપક રોષ વચ્ચે હવે આરપારની લડત માટે રણશીંગુ ફૂંકી કાનૂની લડત આપવામાં આવી રહી છે જેમાં ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજે લોક પ્રતિનિધિત્વ ધારાના નિયમ ભંગ બદલ મુદ્રક અને પ્રકાશકના નામ વગરના બેનર હોર્ડિંગ્સ હટાવવામાં ફરિયાદો કરી હતી. એ જ રીતે મોરબીમાં પણ કુલદીપસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જાડેજાએ અલગ અલગ આઠ ફરિયાદો કરી ઉમિયા સર્કલ, રવાપર રોડ સહિતના વિસ્તારમાં લગાવવામાં આવેલ ભાજપ અને રૂપાલાના બેનર હોર્ડિંગ્સ હટાવવા ફરિયાદ કરી હતી. આ સાથે જ વાંકાનેરમાં પણ મયુરભાઈ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

દરમિયાન મોરબી જિલ્લા કેલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સી વીજીલ એપ્લિકેશન મારફતે તમામ ફરિયાદ મળી હતી જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે, સાથે જ મોરબીમાં અત્યાર સુધીમાં કુલ મળી 29 ફરિયાદ મળી હોવાનું જણાવાયું હતું.

(4:27 pm IST)