Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ટંકારાના નેકનામ પડધરી રોડ પર કાર પલટી મારી જતા બે સગા ભાઈના ઘટનાસ્થળે મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વિસીપરામાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો કારમાં નેકનામ પડધરી રોડ પરથી જતા હોય ત્યારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બંને સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

     બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દીધો હતો અને કાર પલટી મારી રોડની નીચે ઉતારી ગઈ હતી જે અકસ્માતને પગલે મરણચીસોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું કારમાં સવાર શોયબ હૈદર જેડા (ઉ.વ.૩૭) અને અલ્તાફ હૈદર જેડા (ઉ.વ.૨૪) રહે બંને વિસીપરા મોરબી વાળા સગા ભાઈઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
    જયારે કારમાં સવાર શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા (ઉ.વ ૧૯) અને સંજય અવચરભાઈ જંજવાળીયા (ઉ.વ.૨૧) રહે મોરબી વાળાને ઈજા પહોંચતા ૧૦૮ મારફત રાજકોટ ખસેડાયા છે જે બનાવને પગલે ટંકારા પોલીસ મથકના પીએસઆઈ ગઢવી, અકીલભાઈ બાંભણીયા, બીપીનભાઈ પટેલ અને રાજુભાઈ સહિતનો કાફલો દોડી ગયો છે અને અકસ્માતના બનાવની ધોરણસરની તપાસ ચલાવી છે.

(8:13 pm IST)