Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

માધવપુરના મેળામાં દરરોજ ૫ ટ્રેકટર કચરાનો નિકાલ

પોરબંદર,તા.૨૦ : માધવપુરના મેળામાં રોજ રાત્રે પાંચ ટ્રેક્‍ટર કચરાનો નિકાલ કરાય છે. પોરબંદર પાલિકાના ૨૨ કર્મચારી અને માધવપુરના ૨૦ સહિત ૪૨ સફાઈ કામદારો અવિરત પણે સફાઈ કાર્ય કરે છે.

મેળાના શુભારંભ પહેલા ચાર દિવસ સુધી ચાલેલ સફાઈ કાર્યમાં ૧૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો હતો. માધવપુરના લોક મેળા દરમિયાન ગત તા. ૧૧ એપ્રિલથી પુરજોશે સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું હતું, ચાર દિવસ સુધી સતત સફાઈ કાર્ય કરવામાં આવ્‍યું હતું. દરરોજ ૧૦ થી વધુ ટ્રેકટર કચરાનો નિકાલ કરાયો હતો. રોડ રસ્‍તા અને ધાર્મિક સ્‍થળોની સફાઈ કરાઈ હતી. સતત ચાર દિવસ સુધીમાં ૧૦૦ ટન જેટલા કચરાનો નિકાલ કરાયો હતો. હવે માધવપુર મેળાની રંગત જામી છે.

 મેળામાં રોજ રાત્રે પોરબંદર પાલિકાના ૨૨ જેટલા સફાઈ કામદારો અને માધવપુરના ૨૦ જેટલા સફાઈ કામદારો મળી કુલ ૪૨ જેટલા સફાઈ કામદારો રોજ સફાઈની કામગીરી કરી રહ્યા છે. પાંચ ટ્રેક્‍ટરથી વધુ કચરાનો નિકાલ દરરોજ રાત્રે કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકાના સફાઈ વિભાગના અધિકારી જગદીશભાઈ ઢાંકીના જણાવ્‍યા મુજબ માધવપુરના મેળામાં રોજ સવારે આઠ વાગ્‍યેથી એક વાગ્‍યા સુધી અને ત્રણ વાગ્‍યેથી સાત વાગ્‍યા સુધી સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મેળા ગ્રાઉન્‍ડને દરરોજ ચોખ્‍ખું ચણક બનાવી મેળો માણવા આવતા લોકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

(11:40 am IST)