Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

માધવપુરના મેળામાં ર૪ કલાક પીવાનું શુધ્‍ધ ઠંડા પાણીની અલાયદી વ્‍યવસ્‍થા

૭ સ્‍થળોએ પાણીના પોઇન્‍ટઃ પાણીનો બગાડ અને ગંદકી થાય નહી તેની તકેદારી

પોરબંદર તા. ર૦ :.. ભગવાન શ્રી કળષ્‍ણ અને રુકમણીજીના વિવાહના ઉત્‍સવની ઉજવણી માટે વર્ષોથી ઉજવાતા પોરબંદરના માધવપુર ઘેડના મેળાનું આ વર્ષે પણ   આયોજન કરવામાં આવ્‍યું છે. વિશાળ મેદાનમાં પથરાયેલા માધવપુર મેળા- ૨૦૨૪ના વિવિધ સ્‍ટોલ્‍સ, રાઈડ, દુકાનો વગેરેને માણતા લોકોને તેમજ સેવારત પોલીસ, ફાયર, ઇલેક્‍ટ્રિક, આરોગ્‍ય અને અન્‍ય તમામ સ્‍ટાફ અને રાઇડ્‍સના અને સ્‍ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઇન્‍ટ તૈયાર કરવામાં આવ્‍યા છે.

 કલેક્‍ટર શ્રી કે.ડી લાખાણી ના વિશેષ માર્ગદર્શન હેઠળ ખાસ કરીને પીવાના પાણીના સ્‍થળે ગંદકી ન થાય , પાણી ના વેડફાય તેની તકેદારી રાખવામાં આવી છે.  જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પોરબંદર એકમ તેમજ સંબંધિત વિભાગોના સંકલનથી મેળામાં મહાલતા લોકો માટે પીવાના પાણીની સુવ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

૭ સ્‍થળો એ પીવાના પાણીના પોઇન્‍ટ અને ત્રણ જગ્‍યાએ ૫૦૦૦ લીટરના ટેન્‍કરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિવિધ ડોમ અને કંટ્રોલ રૂમ, હેલિપેડ અને ફાયર સ્‍ટાફના રોકાણના સ્‍થળે તેમજ પોલીસ સ્‍ટાફના રોકાણ સ્‍થળોએ પણ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વધુમાં મેળાના પાણીના દરેક પોઇન્‍ટ પર એ વસ્‍તુનું  ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે કે પાણીનો બગાડ ન થાય અને પાણીને લીધે ગંદકી પેદા ન થાય.

સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ટાળીને રિયુઝેબલ ગ્‍લાસમાં શુધ્‍ધ ઠંડુ પાણી લોકો માટે સુગમ બનાવાયું છે. આમ, પર્યાવરણનું પણ ધ્‍યાન રાખવા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત પાણીનું વિતરણ માધવપુરના મેળામાં કરવામાં આવી રહ્યું છે.

(1:43 pm IST)