Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

‘હનુમાનદાદાની જય હો...'ના નાદ સાથે બજરંગ બલીના જન્‍મોત્‍સવની ઉજવણી

ગામે ગામ શોભાયાત્રા, મહાપ્રસાદ, બટુક ભોજન, ચાલીસા, સુંદરકાંડના પાઠ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો

પ્રથમ તસ્‍વીરમાં ભાવનગરના શ્રી છબીલા હનુમાનજી તથા બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ધોરાજીમાં શ્રી ચૈતન્‍ય હનુમાનજી આશ્રમે પૂજા થતી નજરે પડે છે. (તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી (ભાવનગર) કિશોર રાઠોડ (ધોરાજી)

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે હનુમાન જન્‍મોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે.

ગોંડલ

ગોંડલઃ શ્રી બાલા હનુમાનજી મંદીરે શ્રી સત્‍યયુગ સંસ્‍થાપન અધ્‍યાત્‍મ અખંડ ધુન મંડળ, ગુલમહોર રોડ ખાતે આજે હનુમાનજી મહોત્‍સવમાં પ્રભાતફેરી, આરતી, સુંદરકાંડના પાઠ, સામુહીક અખંડ ધુન, પ્રાસંગીક પ્રવચન, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  સિદ્ધપુરીયા બારશાખ રાજપૂત સમાજ ભાવનગર દ્વારા આજે મંગળવારે રામદૂત હનુમાનજીના જન્‍મોત્‍સવની રેલ્‍વે સ્‍ટેશન રોડ પર, છબીલા હનુમાનજી મંદિરે ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.

આજે તા. ૨૩ને મંગળવારે હનુમાનજી મહારાજના જન્‍મોત્‍સવની સમગ્ર ગોહિલવાડમાં ઉત્‍સાહભેર ઉજવણી થનાર છે. તેના ભાગરૂપે સિદ્ધપુરીયા બારશાખ રાજપૂત સમાજ ભાવનગર દ્વારા પણ રેલ્‍વે સ્‍ટેશન રોડ પર આવેલ જ્ઞાતિના શ્રી છબીલા હનુમાનજી મહારાજના મંદિરે ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવારથી મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં યજ્ઞમાં આહુતિ બાદ સાંજે ચાર કલાકે શ્રીફળ હોમવામાં આવશે. સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન રામ દરબારનું આયોજન કરાયેલ છે તેમજ સાત કલાકે હનુમાનજી મહારાજની મહા આરતી કરવામાં આવશે. ત્‍યારબાદ જ્ઞાતિજનો તથા વિસ્‍તારના રહીશો માટે ભોજન મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્‍યું છે આ સમગ્ર આયોજનમાં સહભાગી થવા જ્ઞાતિજનો તથા વિસ્‍તારના ભાઈઓ-બહેનોને જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ મકવાણાએ અનુરોધ કર્યો છે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃધોરાજીમાં આજે હનુમાન જયંતી નિમિત્તે અનેક સ્‍થાનો ઉપર હનુમાન જયંતિ મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે

 ધોરાજી જન્‍માષ્ટમી મેળા ગ્રાઉન્‍ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્‍ય હનુમાનજી આશ્રમ પંચ દશનામ આહવાન અખાડા ધોરાજી ના શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ગુરૂ શિવ સાગરજી મહારાજ એ જણાવેલ કે મંગળવારે ચૈત્ર સુદ પૂનમ એટલે સંકટ મોચનહનુમાનજી મહારાજનો જન્‍મદિવસ આ દિવસ જે લોકો ઉપાસના કરે છે તેમને સો ટકા ફળે છે

ધોરાજીમાં પ્રાચીન ગણાતા હનુમાન વાડી ખાતે ભવ્‍ય હનુમાન જયંતી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે જેમાં મહાપ્રસાદ મહા યજ્ઞ મહા આરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ દરબારગઢ પાસે આવેલ છે બાલ યોગી હનુમાનજી મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત મુજબ હનુમાન જયંતી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે તેમજ સોની બજાર ખાતે આવેલ જે બાલાજી હનુમાનજી મંદિર હનુમાનજી મંદિર તેમજ સોનાપુરી ખાતે આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિર વિગેરે ધોરાજી શહેરના વિવિધ મંદિરોમાં પણ હનુમાન જયંતી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે.

(11:19 am IST)