Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ધારીના હીમખીમડી પરામાં રહેતી પરિણિતાનું કણ ઘટી જવાથી મોત

ચાંદગઢમાં ધોળા દિવસે સિંહે ભેંસના પાડરૂનું મારણ કર્યુ

અમરેલી, તા. ૨૩ : ધારી તાલુકાના હીમખીમડી પરામાં રહેતી સંગીતાબેન બાલુભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) ને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હોય અને શરીરમાં કણ ઘટી જતાં પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સરકારી દવાખાને  અને બાદમાં રાધિકા હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્‍યાનું પતિ બાલુભાઈ વાઘેલાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે ધોળા દિવસે સિંહના આંટા ફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજુભાઈ રાણીંગભાઈ ખુમાણની ખડાઈ (ભેંસનું પાડરૂ)નું સિંહે મારણ કરતા ગામ લોકો, પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે અને સિંહો સાંજના કે રાત્રીના મારણ કરે એ તો ઠીક પણ હવે ધોળા દિવસે પણ સિંહો પશુઓનું મારણ કરી રહ્યા છે.

અમરેલીમાં તંમચા સાથે ઝડપાયો

અમરેલી તારવાડી રોડ તુરે બાદશાહની દરગાહ પાસે અમરેલી જૈન દેરાસર પાસે રહેતા મુનીર અલીભાઈ ખુલાગીને પો. કોન્‍સ. વનરાજભાઈ માંજરીયાએ દેશી તમંચો રૂા. ૧ હજારનો રાખી મળી આવતા પકડી પાડયો હતો.

વળાંકમાં રોઝડું આડુ

પડતા બાઇક ચાલકનું મોત

લીલીયા તાલુકાના સલડી ગામથી અમઅરેલી જતાં વળાંકમાં હર્ષભાઈ પ્રકાશભાઈ પરમાર ઉ.વ.૨૦ તા. ૧૪-૪ના સવારે ૭-૩૦ કલાકે પોતાનું બાઇક લઈ અમરેલીથી લીલીયા જતાં હતાં. ત્‍યારે સલડી ગામ નજીક પહોંચતા વળાંકમાં બાઇક રોજ આડુ પડતા બાઇક ઉપરથી પડી જતાં માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં પ્રથમ અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ ગોકુલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયાંનું પિતા પ્રકાશભાઈ ગોકુળભાઈ પરમારે લીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલ

માવજીંજવામાં મોબાઈલ ચોરાયો

બગસરા તાલુકાના માવજીંજવા ગામે બસ સ્‍ટેન્‍ડની બાજુમાં બાલુગીરી હિરાગીરી ગૌસ્‍વામીના શાકભાજીની દુકાનેથી ટેકનો કંપનીનો મોબાઇલ રૂા. ૪૫૦૦ની કિંમતનો મોબાઈલ કોઈ ચોરી ગયાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફતેપુર પુલ ઉપર બે બાઇક અથડાયા

ફતેપુર પુલ ઉપર અમિતકુમાર કનૈયાલાલ જોષી ઉ.વ. ૪૪ પોતાનું બાઇક લઈ અમરેલી આવતા હતાં. ત્‍યારે સામેથી ફતેપુરના પુલ ઉપર હિરો ડેસેટીની બાઇક જી જે ૧૪ બીએફ ૧૩૮૮ના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી અમીતકુમારના બાઇક સાથે ભટકાવી પછાડી દઈ જમણા પગે ફેકચર કરી શરીરે નાની મોટી ઇજાઓ કરી નાસી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:24 pm IST)