Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જૂનાગઢમાં મતદાન કરી હોટલ-રેસ્‍ટોરેન્‍ટમાં મેળવો ૭% ડિસ્‍કાઉન્‍ટ

જૂનાગઢ તા.૨૪: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય અને મતદાતાઓને પ્રોત્‍સાહન મળે તે માટે ખાસ જૂનાગઢ હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તા.૭મી  મેએ મતદાન કરનાર મતદાતા બ્‍લ્‍યુ ટીક બતાવી જૂનાગઢની જાણીતી ૪૫થી વધુ હોટલ રેસ્‍ટોરન્‍ટમાં ૭ ટકા ડિસ્‍કાઉન્‍ટ આપવા માટે હોટલ એન્‍ડ રેસ્‍ટોરેન્‍ટ એસોસિએશનના હોદ્દેદારોએ સહમતિ દર્શાવી હતી.

આ ડિસ્‍કાઉન્‍ટ માટેના બોર્ડ બેનર હોટલ - રેસ્‍ટોરેન્‍ટ બહાર પણ લગાવવામાં આવશે. ઉપરાંત મહત્તમ મતદાન થાય તે માટે ગ્રાહકો સહિતના નાગરિકોને પ્રોત્‍સાહિત કરવા માટે પણ ઉત્‍સાહ બતાવ્‍યો હતો.

હળવા માહોલમાં મળેલી આ બેઠકમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે પણ જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જાણકારી આપી હતી.

જૂનાગઢ હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટેચાએ જણાવ્‍યું કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે વ્‍યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે. ત્‍યારે વધુમાં વધુ મતદાન થાય તેમાં હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ એસોસિયેશન ઉત્‍સાહભેર સહયોગ આપી રહ્યું છે. ત્‍યારે નાગરિકો પણ મતાધિકારનો ઉપયોગ કરવા આગળ આવે અને ઉત્‍સાહભેર મતદાન કરે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ડેપ્‍યુટી કમિશનર ઝાપડા, મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્‍પેશ ટોલિયા, હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ એસોસિએશન વિનોદભાઇ ડેકીવાડીયા રોહિતભાઇ પટેલ, જયેશભાઇ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

(11:50 am IST)