Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પાલીતાણાના બડેલી ગામે વિરોધ થતા ભાજપના ઉમેદવારે પ્રચાર વગર નીકળી જવું પડ્‍યું

ભાવનગરના ગ્રામ્‍ય પંથક માં હવે ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપ વિરોધી પ્રચાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: પરસોતમભાઇ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્‍યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. જેની હવે ગામે ગામ પણ અસર જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા પહેલા માત્ર સભાઓ, મિટિંગો તેમજ રેલીઓ યોજવામાં આવતી હતી. પરંતુ હવે ખુલ્લેઆમ ભાજપ વિરોધી પ્રચાર અને ભાજપ દ્વારા થતા પ્રચારમાં અડચણરૂપ બની રહ્યા છે.

ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા પત્રિકા વિતરણ સમયે ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરી ભાજપના આગેવાનો કાર્યકરોને સ્‍થળ પરથી કાઢતા પોલીસ અટકાયત સુધીના પગલાં લેવાયા હતા. જ્‍યારે ભાજપના ઉમેદવાર પાલીતાણા પંથકમાં ચૂંટણી ઙ્કચાર કરી રહ્યા હતા તે દરમિયાન કુંભણ ગામમાં પ્રચાર કાર્ય પૂર્ણ કરી ત્‍યાંથી નવાગામ બડેલી જતા હતા ત્‍યારે નવાગામ બડેલી ગામે ક્ષત્રિય યુવાનોના ટોળાએ આવી રૂપાલા હાય હાયના સૂત્રોચાર કરતા વાતાવરણ તંગ બન્‍યું હતું. જેથી પોલીસ પણ સ્‍થળ પર દોડી આવી હતી.

પરંતુ પોલીસ દ્વારા પણ ટોળાને નિયંત્રણમાં લઈ નહીં શકતા ભાજપના ઉમેદવાર ગામમાં પ્રચાર કર્યા વગર જ ત્‍યાંથી પસાર થઈ ગયા હતા. પોલીસ રક્ષણ સાથે ભાજપના ઉમેદવાર અને આગેવાનોની ગાડીઓ નવાગામ બડેલીમાંથી પસાર થઈ ગઈ હતી. અને વિરોધ ઙ્કદર્શિત કરતા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. આમ હવે ક્ષત્રિય સમાજનો વિરોધ ગામડાઓમાં પણ પ્રસરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા યોજાયેલ જાહેર સભામાં કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ડો. મનસુખ માંડવીયાની સભામાં ક્ષત્રિયોના ટોળાએ કાળો વાવટો ફરકાવી પરસોતમ રૂપાલાનો વિરોધ કર્યો હતો.

(10:21 am IST)