Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મેં ફિલ્‍મ રંગીલાના તન્‍હા.. તન્‍હા... ગીત માટે જેકી શ્રોફનું ગંજી પહેર્યુ હતુઃ ઉર્મિલા માંતોડકરે 1995માં આવેલી સુપરહિટ ફિલ્‍મનો કિસ્‍સો દર્શકો સાથે શેર કર્યો

હું પહેલા થોડી ખચકાતી હતી પરંતુ મેં બધુ ભગવાન ઉપર છોડી દીધુ અને આ નુસ્‍ખો મારા માટે કામ કરી ગયો

નવી દિલ્હી: ઝી કોમેડી શોના દરેક એપિસોડમાં નવા મહેમાન આવે છે અને રસપ્રદ તથા અજાણ્યા કિસ્સા શેર કરે છે. આ શો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. શોના આગામી એપિસોડમાં બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકર સ્પેશિયલ ગેસ્ટ તરીકે પોતાના રસપ્રદ કિસ્સા અને મસાલેદાર કમેન્ટ્સ સાથે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. ઉર્મિલાએ આ દરમિયાન એક ખુબ જ રસપ્રદ કિસ્સો શેર કર્યો જે જાણીને તમને પણ નવાઈ લાગી જશે.

ઉર્મિલા માર્તોંડકરે પોતાની 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ રંગીલાનો એક કિસ્સો દર્શકો સાથે શેર કર્યો. વાત જાણે એમ છે કે મુબીન સૌદાગર, ચિત્રાશી રાવત, અને ગૌરવ દુબે દ્વારા રજુ કરાયેલા આ ફિલ્મના સ્પૂફ એક્ટ બાદ ઉર્મિલા માર્તોંડકરે પણ આ ફિલ્મના સેટ સંલગ્ન એક મજેદાર કિસ્સો યાદ કર્યો. ફિલ્મના એક ખુબ જ લોકપ્રિય ગીત 'તન્હા તન્હા યહા પે જીના' ના અલગ અલગ સિકવેન્સ માટે તેણે જેકી શ્રોફનું ગંજી પહેર્યું હતું અને તેની પાછળનું કારણ જાણીને તો તમારા હોશ જ ઉડી જશે.

જેકી શ્રોફનું પહેર્યું હતું ગંજી

ઉર્મિલાએ કહ્યું કે 'કોઈ નહતું જાણતું કે મે ફિલ્મ રંગીલાના તન્હા તન્હા ગીત માટે જેકી શ્રોફનું ગંજી પહેર્યું હતું અને સાચુ કહું તો તે ખુબ મજેદાર પણ હતું. આ સિક્વેન્સને ખુબ જ અનોખી અને તાજગીભરી રીતે દર્શાવવાની હતી અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે ખુબ સમજી વિચારી અને રિસર્ચ કર્યા બાદ જ વસ્તુ અમલમાં મૂકો.'

ગંજી પહેરવાનું આ હતું કારણ

ઉર્મિલાએ વધુમાં કહ્યું કે 'અમે આ સિક્વેન્સમાં એકદમ નેચરલ રહેવા માંગતા હતા અને જ્યારે અમને અમારા પોષાક વિશે જણાવવામાં આવી રહ્યું હતું ત્યારે જેકી શ્રોફે મને પોતાનુ ગંજી પહેરવાનું કહ્યું. હું થોડી ખચકાતી હતી પરંતુ પછી આગળ વધી અને પછી તો બધુ મે ભગવાનના હાથમાં છોડી દીધુ. ખરેખર મને ખુબ જ પ્રેમ અને પ્રશંસા મળી. આ નુસ્ખો મારા માટે કામ કરી ગયો.'

(4:50 pm IST)