Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અભિનેતા શાહરૂખ ખાનનો આજે જન્‍મદિનઃ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં શાહરૂખે કહ્યુ હતું કે, મને એવું લાગે છે કે હું ઘમંડી થઇ ગયો છું: શાહરૂખે ફરાહ ખાનના પતિને લાફો ઝીંકી દેતા લાંબા સમય સુધી ફરાહ અને શાહરૂખ વચ્‍ચે અબોલા રહ્યા હતા

પુત્ર આર્યન ખાનના ડ્રગ્‍સ કેસના કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો

મુંબઇઃ 2 નવેમ્બર એટલે બોલિવુડના કિંગ ખાનનો જન્મદિવસ, ત્રણ દાયકા કરતા વધુ લાંબી કારકિર્દીમાં શાહરૂખ ખાનને વિશ્વભરમાં ઓળખ મળી. આટલા વર્ષોમાં શાહરૂખ ખાનને દર્શકોએ દરેક પાત્રમાં સ્વીકર્યો અને ભરપૂર પ્રેમ આપ્યો. કારકિર્દીની શરૂઆતમાં સામાન્ય દેખાવ ધરાવતા શાહરૂખ ખાને રોમેન્ટિક, વિલન, કોમેડી સહિત દરેક પ્રકારના રોલ ખૂબ સારી રીતે ભજવ્યા.. અભિનેતાને સફળતા તો ઘણી મળી સાથે વિવાદે પણ ક્યારેય તેનો સાથ છોડ્યો નહીં... ત્યારે પિતાના મોંઢેથી નીકળેલી વાત તેન પુત્ર માટે જીવનભરની ન ભૂલાય તેવી બનેલી ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ છે.

એરપોર્ટ પર શાહરૂખની પૂછપરછ કરાઈ

વર્ષ 2009માં ઓગસ્ટ મહિનામાં શાહરૂખ ખાનને ન્યૂજર્સી એરપોર્ટ પર તેની અટક 'ખાન' હોવાથી રોકી દેવામાં આવ્યો હતો. શાહરૂખ ત્યા સાઉથ એશિયન ઈવેન્ટમાં સામેલ થવાના હતા, જ્યા તેઓ ગેસ્ટ ઓફ ઓનર હતા. કોંગ્રેસના સાંસદ રાજીવ શુકલાની યુએસના અધિકારીઓ સાથેની વાતચીત બાદ તેમને છોડવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનને ત્યારબાદ ફરી ન્યૂયોર્કમાં ઈમિગ્રેશન અધિકારીઓએ અટકાવી દીધો હતો. શાહરૂખ નીતા અંબાણી સાથે યેલ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા માટે ખાનગી વિમાનમાં ગયા હતા. ત્યા નીતા અને અન્ય લોકોને ઝડપથી ક્લિયરન્સ આપી દેવાયુ હતું પરંતુ શાહરૂખ ખાનને રોકી દેવાયો હતો. શાહરૂખ ખાનને ક્લીયરન્સ આપવામાં 2 કલાકનો સમય લગાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાહરૂખે યેલ યુનિવર્સિટીમાં સ્પીચ દરમિયાન કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યુ હતું કે- 'મને કદાચ એવું લાગે કે હું ઘમંડી થઈ ગયો છું, ત્યારે અમેરિકાની ટ્રીપ મારું છું અને આ ઈમિગ્રેશનના લોકો મારું સ્ટારડમ ઉતારી દેતા હોય છે.

ફરાહ ખાનના પતિને માર્યો લાફો

આમ તો શાહરૂખ ખાન અને ડિરેકટર ફરાહ ખાન વર્ષોથી ખૂબ સારા મિત્રો છે. વર્ષો પહેલા એક એવી ઘટના બની જેને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બધાને ચકિત કરી દીધા. સંજય દત્તે તેની અગ્નિપથની સક્સેસ પાર્ટી આપી હતી, જ્યા ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરે કોઈ વિવાદિત ટીપ્પણી કરી જેના કારણે શાહરૂખ ખાન ઉશકેરાયા હતા અને તેને લાફો મારી દીધો હતો. ત્યારબાદ લાંબો સમય શાહરૂખ-ફરાહ ખાન વચ્ચે અબોલા રહ્યા. હવે શાહરૂખ ખાન અને ફરાહ ખાન બહુ સારા મિત્રો છે.

વર્ષો પહેલા ઈન્ટરવ્યૂમાં કીધેલી વાત સાચી પડી ગઈ

શાહરૂખ ખાન હાલ તેના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસના કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો. શાહરૂખ ખાનના પુત્ર પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો જે અંતર્ગત આર્યન 28 દિવસ જેલમાં રહ્યો હતો, આ ઘટનાના કારણે શાહરૂખ ખાન અને તેના પુત્રની મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ઘણી ટીકા થઈ. આ જ સમયગાળામાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો સિમી ગરેવાલને વર્ષ 1997માં આપેલા ઈન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયો. આ ઈન્ટરવ્યૂમાં શાહરૂખ મજાકિયા અંદાજમાં બોલે છે કે મે જવાનીમાં જે કામ ન કર્યા, તે હું ઈચ્છીશ કે મારો પુત્ર કરે જેવા કે ખોટા કામ કરવા, ડ્રગ્સ લેવું, છોકરીઓ ફેરવવી... સોશિયલ મીડિયામાં આ વાયરલ ક્લિપ બાદ શાહરૂખ ખાન જબરદસ્ત ટ્રોલ થયો.

આર્યન ખાન તેના પિતાની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે'

કોઈએ કીધું- 'શાહરૂખ ખાનના મોઢેથી નીકળેલા શબ્દો વિધાન બની ગયા, અને તેની સાથે તેવું જ થયું' હવે શાહરૂખ ખાનનો પુત્ર જામીન પર જેલમુક્ત થઈ ગયો છે ત્યારે જન્મદિવસની ઉજવણી સાથે શાહરૂખ ખાન પરિવાર સાથે ખુશીથી દિવાળી પણ મનાવી શકશે..

વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ પર પ્રતિબંધ

IPLમાં જ્યારે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન(MCA)ના અધિકારીઓએ કોલકત્તા નાઈટ રાઈડર્સના સહમાલિક શાહરૂખ ખાન સામે ફરિયાદ નોંધાવી હતી. શાહરૂખ ખાન પર MCAના સુરક્ષાકર્મીઓ સાથે ગેરરવર્તણૂક કરવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાનની એન્ટ્રી પર બેન લગાવી દેવામાં આવ્યો હતો જે પછી હટાવી દેવામાં આવ્યો હતો.

ત્રીજા પુત્ર માટે સરોગસીને લઈ વિવાદમાં આવ્યા

જ્યારે સમાચાર આવ્યા કે શાહરૂખ ખાન અને ગૌરી ખાન પોતાના ત્રીજા સંતાન માટે સરોગસીનો સહારો લઈ રહ્યા છે. બંને પર આરોપ લાગ્યા કે તેઓએ જાતિ પરિક્ષણ ટેસ્ટ કરાવ્યો છે. આ બાબતે મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ બંનેને ક્લિનચીટ અપાઈ હતી.

(5:05 pm IST)