Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આવ બેટા કેમ છે... સરસ... ભગવાન બધાનું ભલુ કરેઃ નટુકાકાએ લાં...બા સમય પછી સેટ ઉપર આવીને ટપુ સાથે વાતચીત કરી

મૃત્‍યુ આવે તો મેકઅપ કરેલ હોય તેવું ઇચ્‍છતા હતા

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકાની ભૂમિકા  ભજવીને ખુબ લોકપ્રિયતા મેળવનારા કલાકાર ઘનશ્યામ નાયકનું અવસાન થતા ચાહકો પર જાણે વજ્રઘાત થયો છે. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમના નિધન બાદ શોની સમગ્ર સ્ટાર કાસ્ટમાં શોકનું મોજું છવાઈ ગયું છે. શોના કલાકાર એ સત્ય સ્વીકારી શકતા જ નથી કે હવે તેમના લાડીલા નટુકાકા તેમની વચ્ચે નથી.

ટપુએ શેર કરી નટુકાકા સાથેની તસવીર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુની ભૂમિકા ભજવતા અભિનેતા રાજ અનડકટે ઘનશ્યામ નાયકને યાદ કર્યા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા રાજ અનડકટે દિગ્ગજ અભિનેતા સાથેની એક તસવીર શેર કરી છે. ફોટામાં રાજ અને ઘનશ્યામ નાયક મેકઅપ રૂમમાં સાથે ઊભેલા જોવા મળે છે. આ સેલ્ફી ફોટામાં રાજ અને ઘનશ્યામ હસતા જોવા મળે છે.

ટપુ અને નટુકાકા વચ્ચે થઈ હતી આ વાતચીત

ફોટો શેર કરતા રાજ અનડકટે લખ્યું કે હું અને કાકા મેકઅપ શેર કરી રહ્યા હતા અને ઘણા સમય બાદ તેઓ સેટ પર આવ્યા હતા. તેમણે રૂમમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે આવ બેટા કેમ છે. મે તેમના આશીર્વાદ લીધા. આટલા દિવસો બાદ સેટ પર પાછા આવીને તેઓ ખુશ હતા. તેમણે મને મારા પરિવાર અંગે પૂછ્યું અને કહ્યું, સરસ, ભગવાન બધાનું ભલું કરે.

મેકઅપ કરીને જ મૃત્યુ ઈચ્છતા હતા નટુકાકા

રાજ અનડકટે લખ્યું કે આટલી ઉમરમાં તેમની લગન અને મહેનત પ્રશંસનીય છે. તેઓ જે કિસ્સા શેર કરતા હતા તે અમે ક્યારેય નહીં ભૂલીએ. કાકા તમે હંમેશા યાદ રહેશો. અત્રે જણાવવાનું કે નટુકાકાને શો અગાઉ મેકઅપ કરવું ખુબ ગમતું હતું અને તેઓ ઈચ્છતા હતા કે જ્યારે મૃત્યુ આવે તો તેમણે મેકઅપ કરેલો હોય. તેઓ છેલ્લી પળ સુધી અભિનય કરવાનું ઈચ્છતા હતા.

(4:40 pm IST)