Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

બોલિવુડ ગાયક લકી અલીના બેંગલુરૂ સ્‍થિત ફાર્મ હાઉસ પર ભૂમાફિયાઓનો કબ્‍જોઃ પરિવારને હેરાન કરાતા હોવાની એસીપીને ફરિયાદ કરાઇ

સોશ્‍યલ મીડિયા પર મદદ માટે વિનંતી કરતા પોલીસ તંત્ર દોડતુ થયુ

મુંબઇઃ જાણીતા બોલિવુડ ગાયક લકી અલીના ફાર્મ હાઉસ પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે. લકી અલીએ એસીપી અને કર્ણાટકના ડીજીપીને ફીરયાદ કરી છે. તેમણે સોશ્‍યલ મીડિયાના પોસ્‍ટ દ્વારા મદદ માટે અપીલ કરતા પોલીસ દોડતી થઇ છે.

બોલીવુડ સાથે જોડાયેલાં કિસ્સા કહાનીઓ તો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પણ આ સાથે જ ફિલ્મી હસ્તીઓ કલાકારોની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહેતી હોય છે. બહારથી દેખાતી ચમકદમક પાછળ અનેક સમસ્યાઓ પણ હોય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. બોલીવુડના જાણીતા ગાયક લકી અલીએ પોતાના પરિવાર અને પ્રોપર્ટીના બચાવ માટે મદદની ગુહાર લગાવી છે. લકી અલીએ સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરતી પોસ્ટ શેર કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. અને પોલીસ તંત્ર પણ આ પોસ્ટ બાદ દોડતું થયું છે.

વાસ્તવમાં સિંગર લકી અલી હાલ ભારતમાં નથી. લકી અલી હાલ કામકાજના સિલસિલામાં દુબઈમાં છે. એમનો પરિવાર અને ઘર બધુ ભારતમાં છે. ત્યારે તેમને પોતાના પરિવારની ચિંતા સતાવી રહી છે. લકી અલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે બેંગલુરુમાં તેમના ફાર્મહાઉસ પર ભૂ માફિયાઓએ કબ્જો લઈ લીધો છે. તેમણે કર્ણાટકના DGPને ઓપન લેટર લખીને મદદ માગી છે. લકી અલીએ આ લેટરમાં કેટલાક લોકોના નામ પણ લખ્યા છે, જેમાં IASનું નામ પણ છે. લકીએ કહ્યું હતું કે ભૂ માફિયાઓ તેમના પરિવારને હેરાન કરે છે.

લકી અલીએ સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમારો કિંમતી સમય લીધો તે બદલ માફી માગું છું, પરંતુ હું આ લેટર કર્ણાટકના DGPને લખી રહ્યો છું, 'સર, મારું નામ મકસૂદ મહમૂદ અલી છે અને હું સ્વ. એક્ટર તથા કોમેડિયન મહમૂદ અલીનો દીકરો છું. મને સામાન્ય રીતે લકી અલીના નામથી ઓળખવામાં આવે છે. હું કામ અર્થે દુબઈમાં છું અને આથી જ મારે તમારી મદદની જરૂર છે. વાત એમ છે કે કેંચનહલ્લી યેલહંકા સ્થિત મારા ફાર્મહાઉસમાં ભૂ-માફિયા સુધીર રેડ્ડી તથા મધુ રેડ્ડીએ ગેરકાયદેસર રીતે કબ્જો લઈ લીધો છે. તેમણે આ કામ IAS પત્ની રોહિણી સિંધૂરીની મદદથી કર્યું છે. તેઓ જબરજસ્તી મારા ફાર્મમાં ઘુસી આવ્યા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ બતાવવાની પણ ના પાડી.'

લકીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'મારા વકીલનું કહેવું છે કે આમ કરવું સંપૂર્ણ રીતે ગેરકાનૂની છે, કારણ કે તેમની પાસે કોર્ટનો કોઈ ઓર્ડર નથી. અમે અહીંયા 50 વર્ષથી રહીએ છીએ. દુબઈ જતા પહેલાં હું તમને મળવા માગતો હતો, પરંતુ તમે નહોતા. મેં આ અંગે ACPને પણ ફરિયાદ કરી છે, પરંતુ તેમણે કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો.'

વધુમા લકી અલીએ કહ્યું હતું, 'લોકલ પોલીસ મદદ કરવને બદલે માફિયાઓને મદદ કરે છે. મારા ઘરમાં પત્ની ને બાળકો એકલા છે. સર હું તમને વિનંતી કરું છું કે સાત ડિસેમ્બરે કોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં આ ગેરકાયદેસર એક્ટિવિટીને અટકાવવામાં આવે. પ્લીઝ અમારી મદદ કરો. મારી પાસે અન્ય કોઈ ઉપાય નથી, આથી જ આ કેસ હું પબ્લિકમાં લઈને આવ્યો.'

લકી અલીની આ પોસ્ટ પર ચાહકોએ સપોર્ટ કર્યો હતો. યુઝર્સે લકી અલી માટે ન્યાય માગ્યો છે. જોકે, હજી સુધી આ અંગે પોલીસ કે વહીવટી તંત્રે કોઈ રિસ્પોન્સ આપ્યો હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. આશા છે કે પોલીસ આ કેસમાં જરૂરથી એક્શન લેશે. લકી અલી દેશના લોકપ્રિય સિંગર છે. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર, 1958માં થયો છે. ફિલ્મ 'કહોના પ્યાર હૈ'ના ગીત 'એક પલ કા જીના..'થી રાતોરાત લોકપ્રિય થયા હતા. 90ના દાયકામાં તેમના ગીતોની ડિમાન્ડ રહેતી.

(5:39 pm IST)