Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મારા સાહેબની કોઇપણ તસ્‍વીર હું રડયા વગર જોઇ શકતી નથીઃ સાયરા બાનુ

દિવંગત અને દિગ્‍ગજ અભિનેતા દિલીપ કુમારની આજે પ્રથમ પૂણ્‍યતિથીઃ પત્‍નિએ લાંબી અને ભાવુક પોસ્‍ટ શેર કરી : એમની સાથે મારો મેળાપ થયો એ જ મારા માટે દુનિયાની સોૈથી સારી ભેટઃ હું ભાગ્‍યશાળી છું કે યુસુફ મારી સાથે ૫૬ વર્ષ કરતાં વધુ સમય સુધી રહ્યાં

મુંબઇ તા.૭: દિવંગત અને પીઢ દિગ્‍ગજ અભિનેતા દિલીપ કુમારની આજે સાતમી જુલાઇએ પહેલી પુણ્‍યતિથી છે. લાંબા સમય સુધી બિમાર રહ્યા બાદ દિલીપજીએ ગયા વર્ષે દમ તોડી દીધો હતો એ વખતે તેમની ઉમર ૯૮ વર્ષની હતી. દિલીપકુમારની વિદાયથી સમગ્ર બોલીવૂડને મોટો ઝાટકો લાગ્‍યો હતો. તેમના પત્‍નિ સાયરા બાનુ આઘાતમાં ગરક થઇ ગયા હતાં. પતિની ડેથ એનીવર્સરી પહેલા સાયરા બાનુએ એક લાંબી પોસ્‍ટ મુકી હતી. જેમાં તેમણે લખ્‍યું છે કે પથારીમાં તેમને ન જોઇને હું મારો ચહેરો ઓશીકા પાછળ છુપાવીને ઉંઘવાની કોશિશ કરુ છું. આમ કર્યા પછી હું જ્‍યારે ફરી આંખો ખોલીશ ત્‍યારે તેઓ મારી બાજુમાં જ સુતા દેખાશે તેવું મને લાગે છે. સાયરા બાનુએ આગળ લખ્‍યું છે કે તેમના ગુલાબી ગાલ બિલકુલ સવારના સૂરજ જેવા ચમકતાં દેખાશે. હું મારી જાતને નસિબદાર સમજુ છું કે મારા યુસુફ ૫૬ વર્ષથી વધુ સમય સુધી મારી સાથે રહ્યા.

સાયરાએ આગળ લખ્‍યું છે કે આ વાત આખી દુનિયા જાણે છે કે મને ૧૨ વર્ષની ઉમરે જ તેમની સાથે પ્રેમ થઇ ગયો હતો. હું એ સપના સાથે જ મોટી થઇ હતી કે બસ આ એક જ એ વ્‍યક્‍તિ છે જે મારા માટે પરફેક્‍ટ છે. જ્‍યારે મારુ સપનુ સાકાર થયું ત્‍યારે ખબર પડી હતી કે હું એકલી તેમની ચાહક નથી. ઇન્‍ડસ્‍ટ્રીના અનેક લોકો તેમને પોતાના ગુરૂ માનતા હતાં. હું ભગવાનનો આભાર માનુ છું કે હું તેમને પામી શકી.  તેમને પામવા એ મારા માટે દુનિયાની સોૈથી મોટી ભેટ હતી.

સાયરાએ પોતાની લાંબી નોંધમાં આગળ લખ્‍યું છે કે એક પળ પણ એવી નથી હોતી જ્‍યારે તેઓ મારી સામે ન હોય. જ્‍યારે પણ ટીવી ચાલુ કરુ છું ત્‍યારે તેમની કોઇને કોઇ ફિલ્‍મ આવી રહી હોય છે. મારો આખો સ્‍ટાફ તેમની ફિલ્‍મ જોવા બેસી જાય છે. પણ હું નથી જોઇ શકતી, હું ત્‍યારે મારી જાતની રડવાથી રોકી શકતી નથી. હું મારા સાહેબની કોઇપણ તસ્‍વીર રડયા વગર જોઇ શકતી નથી. પછી એમની ફિલ્‍મનું કોઇ ગીત હોય કે પછી તેમનો કોઇ યાદગાર ઇન્‍ટરવ્‍યું હોય.

(12:10 pm IST)