Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સતત બીજા અઠવાડીએ ફિલ્‍મ સડસડાટ ચાલીઃ ‘બ્રહ્માષા' ૨૦૦ કરોડની ક્‍લબમાં થઇ સામેલ

બોયકોટ વચ્‍ચે પણ ફિલ્‍મ સફળ નિવડતાં બોલીવૂડમાં ખુશીનો માહોલઃ હવે દર્શકો બીજા ભાગની રાહમાં

મુંબઇ તા. ૧૯: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્‍ટારર તથા અયાન મખર્જી નિર્દેશિત તેના  ડ્રીમ પ્રોજેક્‍ટ સમાન ફિલ્‍મ ‘બ્રહ્માષા' બોયકોટ વચ્‍ચે સતત સારી કમાણી કરી રહી છે. બ્રહ્માષા ૯ સપ્‍ટેમ્‍બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રણબીર અને આલિયા સાથે અમિતાભ બચ્‍ચન, નાગાર્જુન અને મૌની રોય જેવા સ્‍ટાર્સ તથા શાહરૂખ ખાનના કેમીયોથી શણગારેલી બ્રહ્માષા બીજા વીકએન્‍ડ નજીક આવતાં સુધીમાં ૨૦૦ કરોડની ક્‍લબમાં પ્રવેશી ચૂકી છે. ફિલ્‍મનું દસમા દિવસનું કલેક્‍શન પણ શાનદાર રહ્યું છે અને હવે તેના ૧૧મા દિવસના એડવાન્‍સ બુકિંગના આંકડા પણ સામે આવ્‍યા છે.

આ ફિલ્‍મને સોશિયલ મીડિયા પર જેટલી બોયકોટ કરવામાં આવી હતી એટલો જ સામે પ્રચાર પણ થયો હતો.આ સિવાય ફિલ્‍મની રીલિઝ ડેટ પણ ખૂબ કાળજી રાખીને નક્કી કરવામાં આવી હતી. આ સમયે સ્‍પર્ધામાં કોઈ મોટી ફિલ્‍મ ન હોવાના કારણે પણ બ્રહ્માષાને ફાયદો થયો છે. તાજેતરમાં જ ૧૬ સપ્‍ટેમ્‍બરે રિલીઝ થયેલી જહાં ચાર યાર, મટ્ટી કી સાયકલ અને સનોજ કા રિશ્‍તા બીજા વીકએન્‍ડ પર પણ રણબીર આલિયાની ફિલ્‍મને ટક્કર આપી શકી નથી.

બ્રહ્માષાના ૧૧મા દિવસનું એડવાન્‍સ બૂકિંગ

ફિલ્‍મ બ્રહ્માષા પાર્ટ વન-શિવાએ તેની રિલીઝના બીજા રવિવારે શાનદાર કલેક્‍શન કર્યું છે. દસમા દિવસે જાહેર કરાયેલા પ્રારંભિક આંકડાઓ અનુસાર, બ્રહ્માષાએ તમામ ભાષાઓમાં લગભગ ૧૬.૩૦ કરોડનો બિઝનેસ કર્યો છે અને આ સાથે ફિલ્‍મે અત્‍યાર સુધી ઘરેલુ બોક્‍સ ઓફિસ પર જ ૨૧૫.૫૦ કરોડનો આંકડો સ્‍પર્શ કર્યો છે. અગિયારમા દિવસની વાત કરીએ તો, બ્રહ્માષો એડવાન્‍સ બુકિંગમાં લગભગ ૧.૨૫ કરોડનું કલેક્‍શન કર્યું છે, જે દસમા દિવસના એડવાન્‍સ બુકિંગ પ્રમાણે ઘણું ઓછું છે. આવી સ્‍થિતિમાં એ જોવાનું રહેશે કે બીજા સોમવારે ટિકિટ બારી પર બ્રહ્માષાને કેટલો ફાયદો થાય છે?

બ્રહ્માષા ભાગ-૨માં શું હશે?

બ્રહ્માષા ત્રણ ભાગમાં રિલીઝ થવાની છે. પહેલો ભાગ બ્રહ્માષા પાર્ટ વન-શિવા રિલીઝ થઈ ગયો છે, ત્‍યારે દર્શકો તેના બીજા ભાગની પણ રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ‘બ્રહ્માષા ભાગ ૨- દેવા'ની સ્‍ક્રિપ્‍ટ પણ તૈયાર કરવામાં આવી છે. જ્‍યારે પહેલો ભાગ શિવ અને ઈશાની વાર્તા કહે છે, જ્‍યારે બીજા ભાગમાં તેમના માતા-પિતાની વાર્તા બતાવવામાં આવશે. આ ફિલ્‍મ ૨૦૨૫ સુધીમાં દર્શકો માટે તૈયાર થઈ જશે.

(11:09 am IST)