Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

PKના શૂટિંગ વખતે આમિર ખાન એક દિવસમાં ખાતો હતો ૧૦૦ પાન

પોતાને પાત્રમાં ઢાળી શકે એટલા માટે આમિર ખાન રોજ પાન ખાતો હતો : પહેલાં તે રોજના ૫૦-૬૦ પાન ખાતો હતો, પછી આ સંખ્યા વધીને ૧૦૦એ પહોંચી

મુંબઇ,તા. ૨૦: આમિર ખાનને બોલીવૂડમાં પરફેકશનિસ્ટ કહેવામાં આવે છે. તે પોતાને ઓનસ્ક્રીન ભૂમિકા ભજવવા માટે પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દેતો હોય છે. આ જ કારણ હતું કે તેને ફિલ્મ દંગલ માટે પોતાનું વજન વધારવું પડ્યું હતું. તો ફિલ્મ પીકેના શૂટિંગ સાથે પણ એક રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં પોતાના રોલને નિભાવવા માટે એક દિવસમાં તે ૧૦૦થી પણ વધુ પાન ખાઈ જાતો હતો. ફિલ્મ પીકેને આજે સાત વર્ષ પૂરાં થયા છે ત્યારે અમે એને લઈને એક રસપ્રદ કિસ્સો તમને જણાવીશું.

આમિર ખાનનું માનવું હતું કે, તે પાન ખાઈને જ કેરેકટરને અનુભવી શકે છે અને એનાથી તેની એકિટંગ પણ સારી રહેશે. એક વેબસાઈટ દ્વારા પહેલાં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં એક પત્રકાર પરિષદ દરમિયાન આમિર ખાનને સવાલ પૂછવામાં આવે છે કે આ મૂવી માટે તેને કેટલાં પાન ખાવા પડ્યા હતા. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, આમ તો તેને પાન ખાવાની આદત નથી. પણ રોલ માટે તેણે એક દિવસમાં લગભગ ૫૦-૬૦ પાન ખાયા હતા. બાદમાં આ સંખ્યા વધીને ૧૦૦ સુધી પહોંચી ગઈ હતી.

ઈન્ટરવ્યૂમાં આમિર ખાન જણાવે છે કે, તેને દરેક ટેક માટે પોતાનું મોં ભરવા માટે એક તાજા પાન ખાવું પડતું હતું. તે પોતાના હોઠો પર અસલ પાન ખાધુ હોય એવો રંગ લાવવા માટે ઓછામાં ઓછા ૧૦-૧૫ પાન ખાતો હતો. રોજ તેને તાજા પાન મળે એ માટે સેટ પર જ એક પાનાવાળો હાજર રહેતો હતો.

રાજકુમાર હિરાનીની ફિલ્મ પીકેને આજે રવિવારે સાત વર્ષ પૂરાં થઈ ગયા છે. પીકે ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી શાનદાર ફિલ્મોમાંની એક સાબિત થઈ છે. આમાં આમિર ખાન, અનુષ્કા શર્મા, સુશાંતસિંહ રાજપૂત, સંજય દત્ત્। અને બોમન ઈરાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જયારે ફાઈનલ સીનમાં અભિનેતા રણબીર કપૂરનો પણ સ્પેશિયલ કેમિયો હતો. જેને મૂવીની રિલીઝ ડેટના માત્ર એક મહિના પહેલાં જ શૂટ કરવામાં આવ્યો હતો. રણવીરની ઝલક જોયા બાદ લોકો આ ફિલ્મની સિકવલની રાહ જોઈ રહ્યા હતા. જો કે, મેકર્સ આ વિશે કોઈ પ્લાન કર્યો નથી.

(10:05 am IST)