Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ફરી એકવાર પડદા પર આવશે 'બજરંગી ભાઇજાન': સલમાન ખાને કરી સિકવલની જાહેરાત

'બજરંગી ભાઇજાન'ની સિકવલની વાર્તા એસ.એસ. રાજમૌલીના પિતા લખશે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના કરિયરમાં ઢગલાબંધ સફળ ફિલ્મો આપી છે. 'બજરંગી ભાઈજાન' એવી ફિલ્મ છે જેને સલમાનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણી શકાય. હવે સલમાન ખાને આ ફિલ્મની સિકવલની જાહેરાત કરી છે. રવિવારે મુંબઈમાં ફિલ્મ ‘RRR’ની પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં સલમાને હાજરી આપી હતી અને અહીં જ 'બજરંગી ભાઈજાન'ની સિકવલની જાહેરાત કરી હતી.

'બજરંગી ભાઈજાન'ની સિકવલની વાર્તા એસ.એસ. રાજમૌલીના પિતા કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ લખવાના છે. જણાવી દઈએ કે, 'બજરંગી ભાઈજાન'ની વાર્તા પણ વિજયેન્દ્ર પ્રસાદે જ લખી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન ભોળા બજરંગીના રોલમાં હોય છે જે મુન્ની (એકટ્રેસ હર્ષાલી મલ્હોત્રા)ને પોતાના ઘર પાકિસ્તાન પહોંચાડવા માટે બોર્ડર ક્રોસ કરે છે. મુન્ની અને બજરંગીનું બોન્ડ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું.

સલમાન ખાન રવિવારે એરપોર્ટથી સીધો જ ‘RRR’ની ઈવેન્ટમાં પહોંચ્યો હતો. રાજમૌલી અને ‘RRR’ની ટીમને સપોર્ટ કરવા માટે સલમાને ઈવેન્ટમાં હાજરી આપી હતી. મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં કરણ જોહર, એસ.એસ. રાજમૌલી, જૂનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. અજય દેવગણ પણ ઈવેન્ટમાં હાજરી આપવાનો હતો પરંતુ તબિયત સારી ના હોવાથી આવી ના શકયો. ‘RRR’માં જૂનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ લીડ રોલમાં છે જયારે અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.

આ ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને જૂનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા વિશે વાત કરી હતી, એટલું જ નહીં કરણ જોહર સાથે હળવી મજાક-મસ્તી પણ કરી હતી. સલમાન ખાને આ ઈવેન્ટમાં જણાવ્યું કે, રાજમૌલીના પિતાએ તેને કરિયરની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક આપી છે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઈવેન્ટની હાજરી આપ્યાની એક તસવીર પણ શેર કરી હતી.

વિજયેન્દ્ર પ્રસાદે જ 'બજરંગી ભાઈજાન'ની વાર્તા લખી હતી અને ફિલ્મને કબીર ખાને ડાયરેકટ કરી હતી. ફિલ્મમાં સલમાન અને હર્ષાલી મલ્હોત્રા ઉપરાંત કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મ ૧૭ જુલાઈ ૨૦૧૫ના રોજ રિલીઝ થઈ હતી.

(3:09 pm IST)