Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ઘરે જ માટીના ગણેશજી બનાવીને સ્થાપના કરોઃ ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા''ના સુંદર મામાએ ઘરેજ ગણેશજીની સ્થાપના કરીને સંદેશ આપ્યો

મુંબઇઃ કોરોનાની મહામારીના કારણે લોકો આ વર્ષે ઇકોફ્રેન્ડલી માટેના ગણપતિનું સ્થાપન કરવા તરફ પ્રેરાયા છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી માટીના ગણેશની સ્થાપનથી ગણેશ ઉત્સવની ઉજવણી કરશે. તો સાથે જ ઘરે જ ગણપતિ બનાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ફેમ મયુર વાકાણીએ પોતાના ઘરેજ માટીના ગણેશજી બનાવ્યા છે. ''તારક મહેતા...''માં સુંદરમામાના પાત્રથી ફેમસ મયુર વાકાણી ઉમદા કલાકાર છે. અભિનયની સાથે કેનવાસ પર પણ તેઓ રંગોથી જાદુ કરવામાં માહેર છે. તેમણે લોકડાઉન દરમ્યાન પણ ઘરે રહિને નવરાશની પળોમાં ચિત્રો બનાવીને પોતાની કલા જીવંત રાખી હતી. ત્યારે હવે ગણેશ ચર્તુથીના આગમન પહેલા માટીના ગણેશ બનાવીને મયુર વાકાણીએ ઘરેરહીને ગણેશજીની આરાધના કરવા માટે લોકોને પ્રેરણા આપી છે.

મયુર વાંકાણીએ કહ્યું છે કે , જે પાવન પર્વની વાટ જોતા હતા, તે પર્વ હવે આવી ગયો છે. એના માટે આપણે ઘરે ગણપતિ દાદા બેસાડીએ છીએ ગણપતિ દાદા પીઓપીના બદલે માટીના હોય તો ઘણુ સારૂ આપણી વ્હાલસોયી વસુંધરાનું આપણે રક્ષણ કરીએ. આપણી આ પૃથ્વીને પ્રદુષણથી બચાવો. ઘરે જ માટીના ગણેશ બનાવો. તમારા પરિવારની સાથે ઘરે ગણેશજી બનાવો અને તેનો આનંદ લો. તમને સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનો અજગરી ભરડો છે. લોકલ સંક્રમણની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ભગવાન ગણપતિજીના ભકતો દ્વારા પોતાના ઘરે જ માટીની નાની મૂર્તિનું સ્થાપના કરવાનું વિચારી રહ્યા છે. એટલું જ નહિ, એક દિવસથી માંડીને પોતાની અનુકુળતા મુજબ અગિયાર દિવસ ગણપતિજીનુ પુજન-અર્ચન કર્યા બાદ ઘરે જ પાણી ભરેલા વાસણમાં ગણપતિ વિસર્જન કરવાના છે પીઓપીથી બનેલ ગણેશજીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને પણ નુકશાન થાય છે તેવું લોકો સમજી ચૂકયા છે. ત્યારે આ વર્ષે માત્ર માટીથી બનેલ મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ શ્રદ્ધાળુઓમાં જોવા મળ્યો છે. સાથે જ લોકડાઉનમાં ક્રિએટીવ એકિટવિટી કરવા પ્રેરાયેલા લોકો હવે જાતે જ માટીના ગણેશજી બનાવીને તેને સ્થાપિત કરવાના છે.

(5:44 pm IST)