Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

‘ડોક્‍ટર જી' ફિલ્‍મનું ટ્રેલર રિલીઝઃ આયુષ્‍માન ખુરાના પાસે સારવાર કરાવવા મહિલાઓનો ખચકાટ

ડોક્‍ટર જીમાં આયુષ્‍માન ઉપરાંત રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ મુખ્‍ય ભૂમિકામાં છેઃ ફિલ્‍મમાં આયુષ્‍માન ખુરાનાનો રોલ એક પુરુષ ગાયનેકોલોજિસ્‍ટનો છે

મુંબઇ,તા. ૨૧ : આયુષ્‍માન ખુરાનાની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘ડોક્‍ટર જી‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જંગલી પિક્‍ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્‍મની ચાહકો ક્‍યારથી રાહ જોઈ રહ્યા હતા. ડોક્‍ટર જીમાં આયુષ્‍માન ઉપરાંત રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ મુખ્‍ય ભૂમિકામાં છે. ફિલ્‍મમાં આયુષ્‍માન ખુરાનાનો રોલ એક પુરુષ ગાયનેકોલોજિસ્‍ટનો છે. આયુષ્‍માન ખુરાના તેની દરેક ફિલ્‍મમાં અલગ પાત્ર ભજવે છે. આવી સ્‍થિતિમાં અભિનેતા આ ભૂમિકા સાથે ચાહકોને પણ પ્રભાવિત કરતો જોવા મળે છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્‍યું છે કે કેવી રીતે દર્દીઓ પુરૂષ ગાયનેકોલોજિસ્‍ટ પાસેથી સારવાર લેવાથી દૂર રહે છે.

ડોક્‍ટર જી ફિલ્‍મમાં આયુષ્‍માન ખુરાનાએ મેડિકલ સ્‍ટુડન્‍ટ ડો. ઉદય ગુપ્તાની ભૂમિકા ભજવી છે. ઓર્થોપેડિક સર્જન બનવાનું સપનું જોનાર ઉદય ગાયનેકોલોજીના અભ્‍યાસમાં વ્‍યસ્‍ત છે. આવી સ્‍થિતિમાં પુરૂષ ગાયનેકોલોજિસ્‍ટ પાસેથી સારવાર કરાવવામાં મહિલાઓ સહજતા અનુભવતી નથી. તે આયુષ્‍માન ખુરાના એટલે કે ઉદય પાસેથી સારવાર લેવા માટે અચકાય છે. આ કારણે આયુષ્‍માન ખુરાનાને ગાયનેકોલોજિસ્‍ટની ભૂમિકામાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. ફિલ્‍મમાં શેફાલી શાહ આયુષ્‍માનના મેડિકલ ટીચર અને ગાયનેકોલોજિસ્‍ટના રોલમાં જોવા મળે છે.

નોંધનીય છે કે, ફિલ્‍મ ડોક્‍ટર જી ૧૪ ઓક્‍ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્‍મના નિર્દેશક અનુભૂતિ કશ્‍યપ છે. ફિલ્‍મમાં આયુષ્‍માનના આ નવા પાત્રને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્‍મના ટ્રેલરને યુટ્‍યુબ પર અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો કમેન્‍ટ સેક્‍શનમાં કહેતા જોવા મળે છે કે આયુષ્‍માન ખુરાના કંઈ પણ કરી શકે છે. તેના માટે કોઈ ભૂમિકા મુશ્‍કેલ નથી. ફિલ્‍મની રિલીઝ પહેલા જ ફેન્‍સ તેને હિટ ગણાવી રહ્યા છે.

(10:42 am IST)