Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પ્રિયંકા ચોપરા-આફતાબ શિવદાસાની યુકેમાં ફસાયા

નવા સ્ટ્રેનને લીધે યુકેમાં લોકડાઉનનો કડક અમલ : પ્રિયંકા ચોપરા હોલિવૂડની ફિલ્મના શૂટિંગ માટે તો આફતાબ શિવદસાની તેના પરિવાર સાથે યુકેમાં હતા

લંડન, તા. ૨૫ : યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેઇનને પગલે સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. ઘણા દેશોએ યુકે આવતી જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આવામાં બોલિવૂડના બે ફિલ્મી કલાકાર યુકેમાં અટવાઇ ગયા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અભિનેતા આફતાબ શિવદસાની યુકેમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુકેના નવા સ્ટ્રેઇનના પગલે લોકડાઉનના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને બ્રિટનમાં ટ્રાવેલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે. આ સંજોગોમાં પ્રિયંકા ચોપરા યુકેમાં તેની આગામી  હોલિવૂડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ કરી રહી હતી.

સૂત્રોનું માનીએ તો, પ્રોડક્શન ટીમે પ્રોડક્શન વર્ક અટકાવી દીધું છે. અત્યારે પ્રાથમિકતા કાસ્ટ અને ક્રૂને સેફ રાખવાની અને તેમને ઝડપથી અમેરિકા પરત મોકલવાની છે. સ્પેશિયલ પરમિશન લેવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પણ નિયમ વધુ કડક હોવાને કારણે વધુ સમય લાગી શકે તેમ છે.

જ્યારે બોલિવૂડ અભિનેતા આફતાબ શિવદસાની તેની પત્ની અને પુત્રી સાથે યુકે ગયો હતો. સંજોગો બદલાતા તે ત્યાં જ ફસાઇ ગયો છે. પરત ફરીને આફતાબ પોતાના હોમ પ્રોડક્શન સાથે કામ શરૂ કરવાનો હતો. તેમણે કહ્યું હતું કે, નવા પ્રોજેક્ટની ડેટને લઈને વાત ચાલી રહી છે, જોકે આ પ્રોજેક્ટ જાન્યુઆરી પહેલાં શરૂ નહીં થઇ શકે.

 

(7:41 pm IST)