Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હમેંશા તથ્ય પર વિશ્વાસ કર્યો છેઃ નીતુ

અભિનેત્રી નિતુ ચંદ્રાએ અનેક વખત સાબીત કર્યુ છે કે સખ્ત મહેનત અને દ્રઢ સંકલ્પ સફળતાની ચાવી છે. બોલીવૂડમાં અનેક ફિલ્મો કરી ચુકેલી નિતુ હવે હોલીવૂડની ફિલ્મ કરી રહી છે. કેલી મેૈડિસન દ્વારા નિર્દેશીત અને સોની મોશન પિકચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ 'નેવર બેક ડાઉનઃ રિવોલ્ટ' એક એવી મહિલા પર આધારીત છે જેનું અપહરણ કરી લેવામાં આવે છે. એ પછી તેને સ્વતંત્રતા માટે ટ્રાફિકીંગ ગેંગ સાથે લડાઇ લડવી પડે છે. નિતુ ચંદ્રા બિહારની પહેલી એવી અભિનેત્રી છે જેને એકશનથી ભરપુર હોલીવૂડ ફિલ્મમાં મુખ્ય ભુમિકા મળી છે. નિતુએ કહ્યુ઼ હતું કે મેં હમેંશા તથ્ય પર વિશ્વાસ કર્યો છે. કોઇપણ ક્ષેત્રમાં સફળ થવાનો એક જ રસ્તો હોય છે કે તમે તેના માટે સખ્ત મહેનત કરો, દ્રઢ નિશ્ચય કરો. હું ખુબ ઉત્સાહીત છું કે મને હોલીવૂડની ફિલ્મ મળી. નિર્દેશક અને ટીમે મારા પર વિશ્વાસ મુકયો એ માટે હું એમની પણ આભારી છું. દર્શકોને વિશ્વ સ્તરે મારી અપરંપરાગત ભુમિકા નિહાળવા મળશે. નિતુએ ગરમ મસાલા, ઓયે લક્કી લક્કી ઓયે, રણ, ૧૩-બી, ટ્રાફિક સિગ્નલ સહિતની બોલીવૂડ ફિલ્મો કરી છે. તે વર્લ્ડ તાઇકવાંડો ચૈમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચુકી છે.

(9:58 am IST)