Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રૂપિયા ૨૨૦૦ કરોડની જાસૂસ જેમ્સ બોન્ડની સૌથી મોંઘી સ્પાઈ ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઈ' : આજથી સિનેમાઘરોમાં રિલીઝ

જાસુસી ફિલ્મો જોવાના રસીયાઓ જે સ્પાઈ મુવી માણવા માટે છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક જેની ચાતક નયને રાહ જોઈ રહ્યા હતા તે બ્રિટીશ સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડ ૦૦૭ ની અગામી ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઈ' આખરે ૮ ઓકટોબરથી યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમરીકા તથા ૩૦મી સપ્ટેમ્બરથી ધ ગ્રેટ બ્રિટન તથા ભારત સહીત વિશ્વભરના સેંકડો દેશોના પસંદ કરાયેલા ચુનંદા સિનેમાઘરોમાં રજૂઆત પામવા સાથે ધૂમ મચાવી રહી છે.

બ્રિટીશ સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડ ૦૦૭નો ચાહક વર્ગ વધારવા માટે બોન્ડ ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઈ' ને વિશ્વની તમામ ટોચની ભાષાઓમાં ડબ કરવા સાથે તેનું ટ્રેલર મોટા ભાગના દેશોની સ્થાનિક ભાષાઓમાં પણ બનાવવામાં આવ્યું છે જેમાં ભારતની ટોચની બોલાતી મુખ્ય દસ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, પંજાબી, બંગાળી, ભોજપુરી, મલયાલમ, મરાઠી, કન્નડા અને ગુજરાતી ભાષામાં પણ તેનું ટ્રેલર ડબ કરાયેલ છે.

ભારતમાં જાસુસ જેમ્સ બોન્ડના બહોળા ચાહક વર્ગને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને  હિન્દી, તમિલ તથા તેલુગુ વર્સનમાં ડબ કરવા સાથે ગુજરાતની ૬.૫ કરોડની લોક લાડીલી જનતાને ધ્યાનમાં રાખીને તેને ગુજરાતી ભાષામાં પણ ડબ કરીને વધુ ને વધુ સિનેમાઘરોમાં રજુ કરવામાં આવી રહી છે. આમ ડેનયલ ક્રેગ અભિનીત જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઈસીની ૨૫મી ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઈ' ગુજરાતી ભાષામાં ડબ થનારી હોલીવૂડની સૌપ્રથમ ફિલ્મ બની રહેશે.

ફિલ્મને અતિ ભવ્ય બનાવવા માટે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ પાછળ ખર્ચ કરવામાં એક પણ વખત પછી પાની કરી નથી જેનો પુરાવો માત્ર તેના ભવ્યતાતીભવ્ય રીતે યોજાયેલા પ્રિમીઅર શોથીજ મળી જાય છે

 આખા દુનિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અત્યાર સુધીમાં નહિ જોયો હોય અને આખા વિશ્વની કોઈપણ ફિલ્મનો આજ દિવસ સુધીમાં નહિ યોજાયો હોય તેવો 'નો ટાઇમ ટુ ડાઈ' ફિલ્મનો અતિ ભવ્ય પ્રિમીઅર શો લંડનના રોયલ અલબર્ટ હોલ ખાતે તારીખ ૨૮મી સપ્ટેમ્બરના રોજ બ્રિટનના રાજવી પરિવારના સભ્યો, ફિલ્મના કલાકાર કસબીઓ, વિશ્વ સિને સુષ્ટિની નામાંકિત સેલીબ્રીટીઓ તથા અન્ય ક્ષેત્રના માંધાતાઓ તેમજ અન્ય દિગ્ગજોની હાજરીમાં યોજાઈ ગયો.

આપણા ભારતના બોલીવુડ ફિલ્મ ઉદ્યોગની ૫ કરોડ રૂપિયાના નાના બજેટવાળી ૧૫ ફિલ્મો નિર્માણ પામી જાય તેટલો જંગી ખર્ચ ૧૦ મિલિયન ડોલર (ભારતના આશરે ૭૫ કરોડ રૂપિયા) બોન્ડ ફિલ્મના  નિર્માતાઓએ આ ફિલ્મના પ્રિમીઅર શો ને માત્ર યાદગાર બનાવવા ખાતરજ ખર્ચી નાખેલા છે.

આપણા બોલીવુડના પ્રથમ હરોળના ટોચના દસ કલાકારોને એક ફિલ્મમાં કામ કરવા માટે આપવામાં આવતા મહેનતાણાનો સરવાળો કરીએ અને આ સરવાળહનો કુલ આંક જે કાંઈપણ આવે તેના કરતા બમણા નાણા ૨૫  મિલિયન ડોલર (ભારતના અધધ આશરે ૧૮૫ કરોડ રૂપિયા) બોન્ડ બનેલા હિરો ડેનીયલ ક્રેગને માત્ર 'નો ટાઇમ ટુ ડાઈ' ફિલ્મમાં કામ કરવા માટે મહેનતાણા રૂપે મળેલા છે. જયારે બોન્ડ તરીકેની તેની પહેલી ફિલ્મ 'કેસીનો રોયલ' માટે તેને માત્ર ૩ મિલિયન ડોલર (ભારતના આશરે ૨૨ કરોડ રૂપિયાજ) આપવામાં આવેલા.

આમ બોન્ડ બનેલા હિરો ડેનીયલ ક્રેગને તેની બોન્ડ ફિલ્મોએજ તેને અત્યાર સુધીમાં ૮૫ મિલિયન ડોલર (ભારતના આશરે ૬૩૦ કરોડ રૂપિયા) કમાવી આપ્યા છે. ડેનીયલ ક્રેગની કુલ સંપતિ ૧૬૦ મિલિયન ડોલરની છે જેમાંથી ૮૫ મિલિયન ડોલર તો માત્ર બોન્ડ ફીલ્મોમાંથીજ થયેલી આવક છે.

કોરોનાને કારણે તેમજ ફિલ્મને નડેલા અન્ય વિધ્નોને કારણે આ ફિલ્મની રજુઆત એટલી બધી વખત પછી ઠેલાવાઈ છે કે તેને જન માનસ પર સતત ફરતી રાખવા માટે મહિનાઓથી કરવી પડતી પબ્લીસીટી અને અન્ય બીજા ખર્ચાઓને કારણે તે જેમ્સ બોન્ડ સીરીઝની સૌથી મોંઘા બજેટમાં  નિર્માણ પામેલી ફિલ્મ બની ગઈ છે જેના ઉપર બોન્ડની અત્યાર સુધીની તમામ ફિલ્મોથી વધારે કમાણી કરાવવાની આશાઓ સેવાઈ રહી છે.

અંદાજે ૩૦૦ મિલિયન ડોલર (ભારતના આશરે ૨૨ અબજ ૨૫ કરોડ રૂપિયા) ના જંગી બજેટમાં નિર્માણ પામેલી 'નો ટાઇમ ટુ ડાઈ' ફિલ્મ વિશ્વ સિને સુષ્ટિની સૌથી સફળ બોન્ડ ફ્રેન્ચાઇસીની ૨૫ મી બોન્ડ ફિલ્મ છે જે અત્યાર સુધીમાં જંગી બજેટમાં બનેલી તમામ બોન્ડ ફિલ્મો કરતા સૌથી મોંઘા બજેટની ફિલ્મ છે. ફિલ્મની અવધી ૧૬૩ મિનીટની છે જે જેમ્સ બોન્ડ ફિલ્મ સીરીઝની અત્યાર સુધીની સૌથી લાંબામાં લાંબી બોન્ડ ફિલ્મ છે. આ અગાઉ આ રેકોર્ડ તેની અગાઉની ફિલ્મ 'સ્પેકટર' ના નામે હતો જે ૧૪૮ મીનીટ લાંબી ફિલ્મ હતી.

આ ફિલ્મ માટે એવી ધારણા સેવાઈ રહી છે કે તે તેના પ્રથમ વિકેન્ડમાંજ માત્ર તેના ઘર આંગણેથીજ ૭૫ થી ૧૦૦ મિલિયન ડોલર (ભારતના આશરે ૫.૫ થી ૭.૫ અબજ રૂપિયા)  કમાવી આપશે.

આટલો જંગી બજેટ તેમજ અધતન ટેકનોલોજીનો છૂટથી ઉપયોગ અને વપરાશ બતાવ્યો હોવા છતા 'નો ટાઇમ ટુ ડાઈ' ફિલ્મને શાપિત ફિલ્મ કહેવાય છે કે કારણકે આ ફિલ્મ બનવાની જયારથી શરુઆત થઇ છે ત્યારથી માંડીને અત્યાર સુધીની તેની રિલીઝ થયાની તારીખ સુધીમાં તેને એટલા બધા શુકનો, અપશુકનો, વિધ્નો અને મુશ્કેલીઓ નડ્યા છે કે ફિલ્મી પત્રકારો તેને જેમ્સ બોન્ડની સૌથી વધુ શાપિત ફિલ્મ કહીને બિરદાવે છે. જેમ્સ બોન્ડ સીરીઝની આ પ્રથમ બોન્ડ ફિલ્મ છે જેની રજૂઆત કોઈને કોઈ કારણોસર વારંવાર પાછી ઠેલવાઈ છે.

દરેક બોન્ડ ફિલ્મના શૂટિંગ વખતે તેનો બોન્ડ બનેલો હિરો ડેનિએલ ક્રેગ શુટિંગ દરમ્યાન નાના મોટા કોઈ ને કોઈ અકસ્માતનો ભોગ બનતો જ રહયો છે. પરંતુ સ્પેકટર ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું શુટિંગ કરતી વખતે તે એટલો બધો ગંભીર રીતે ઘવાયો કે તેને લાંબા સમય સુધી આરામ કરવો પડેલો અને તેને લાગેલા ઘાવોનો દુઃખાવો લાંબા સમય સુધી તેના શરીરમાં ઘર કરી ગયેલો. આ કારણે તેણે હવે પછીના બોન્ડ ફિલ્મમાં કામ કરવા માટે અનિચ્છા દર્શાવી હતી.

'ધ મમી' ફીલ્મની હેરોઈન અને જેમ્સ બોન્ડની વાસ્તવિક પત્ની રાચેલ વિએસ્ઝએ પતિ ડેનીઅલના સ્પેકટર ફિલ્મના સ્ટંટ સિન દરમિયાન થયેલા ગંભીર ઘાવો જોઇને તેને અગામી બોન્ડ ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણીના મત મુજબ જેમ્સ બોન્ડની ફિલ્મમાં કામ કરવું એટલે બોકસિંગની રિંગમાં ભાગ લેવા જેવું છે જેમાં ભાગ લેનાર બંને પ્રતિસ્પર્ધીઓ અચૂકપણે ગંભીર રીતે ઘવાયજ છે. આમ બોન્ડ ફિલ્મ તેના હિરો બોન્ડ માટે વાસ્તવિકતામા હાથ, પગ, ખભા, માથું, ઘુટણ અને શરીરના વિવિધ અંગો તોડાવવા માટેનું ગેરંટેડ માધ્યમ છે 

ફિલ્મમાં 'નો ટાઇમ ટુ ડાઈ' ફિલ્મનું ટાઈટલ થીમ સોંગ ગીત ગાનાર બિલ્લી એલીશ માત્ર ૧૮ વર્ષનીજ છે જેણે જેમ્સ બોન્ડની ફિલ્મનું ગીત લખનાર તથા ગાનાર તરીકે વિશ્વની સૌથી નાની ગાયિકા અને લેખિકા તરીકે પોતાના નામે કેટલાયે કીર્તિમાન સ્થાપિત કર્યા છે. આ બોન્ડ  ફિલ્મમાં તેણે લખેલા ગીત માટે તેને ૬૩માં ગ્રેમી એવાર્ડમાં વિસુઅલ મિડિયા માટે લખાયેલ શ્રેષ્ઠ ગીત માટે એવાર્ડ આપવામાં આવેલો છે.

આ ઉપરાંત કલ્સોઈ, ફેરોઈ ટાપુ, સ્કોટલેન્ડ અને એટલાન્ટીક દરિયાઈ સમુદ્ર ખાતે પણ આ બોન્ડ ફિલ્મનું શુટિંગ કરવામાં આવેલ છે.

આ સિવાય બોન્ડની દરેક ફિલ્મમાં લંડનનું લોકેશન બતાવાય છે કારણકે ત્યાં આ અંગ્રેજ જાસુસી સંસ્થા એમ.આઈ.૬નું મુખ્ય હેડ કવાર્ટર આવેલું છે. તેમજ બ્રિટનના પાઈનવુડ સ્ટુડીઓસ ખાતે પણ દરેક ફિલ્મોની માફક આ ફિલ્મનું શુટિંગ પણ કરવામાં આવેલ છે.

હવે ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઈ' તેની આગળની કથાનક છે. બ્લોફેલ્ડની ધરપકડ થયા પછી વિશ્વમાં ગુનાખોરીનું પ્રમાણ ખુબજ ઓછુ થઇ જાય છે અને બોન્ડ રાહતનો દમ ખેંચે છે. બોન્ડને લાગે છે કે વિશ્વમાં હવે અમન અને શાંતિ કાયમ રહેશે. બોન્ડને  હવે આરામની સખત જરૂર છે આથી તે પોતાની નોકરીમાંથી રાજીનામું આપીને નિવૃત્ત્િ। લઇ લે છે અને શાંતિથી આરામદાયક જીવન જીવવા માટે રમણીય ટાપુ પર પોતાની પ્રેમિકા મેડેલીન સ્વાનની સાથે ચાલ્યો જાય છે. આમને આમ પાંચ વર્ષો વીતી જાય છે. ગન અને ગેઝેટના સંગાથે દુશ્મનોના ખૂની મારાઓને ચેસ કરી કરીને શારીરિક અને માનસિક બંને રીતે થાકી ગયેલો બોન્ડ બધુજ  ભૂલીને પોતાની પ્રેમિકા સાથે એકદમ શાંતિથી જીવન પસાર કરી રહ્યો છે.

બોન્ડને એવો ભ્રમ છે કે તે પોતે હવે સુરક્ષિત છે અને તેની પ્રેમિકા સાથે યાદગાર પળો પસાર કરી રહયો છે. પરંતુ બોન્ડને સૌથી મોટું જોખમ કદાચ તેની પ્રેમિકા મેડેલીન સ્વાનથીજ રહેલુ છે. બોન્ડની પ્રેમિકા મેડેલીન સ્વાનનો કલંકિત ભૂતકાળ છે જેનાથી બોન્ડ તદન અજાણ છે. તેણી પોતે એક ડબલ એજન્ટ હોવા ઉપરાંત જેમ્સ બોન્ડના સૌથી મોટા દુશ્મન સ્પેકટરના સુપ્રિમો બ્લોફલેડની સુપુત્રી હોઈ શકે છે. તેની પાસે એટલા બધા રહસ્યો છુપાયેલા છે જે જાણીને જેમ્સ બોન્ડના પગ નીચેથી જમીન સરકી જાય તેમ છે. તેણી જેમ્સ બોન્ડની બેવફા પ્રેમિકા પણ સાબિત થઇ શકે છે. એક કાર ચેસ સિન વખતે બોન્ડ તેણીને કહે છે કે દરેક વ્યકિતના ગુપ્ત રહસ્યો હોય છે પરંતુ તારું હજી સુધી જાણી શકાયું નથી. એક સીનમાં બોન્ડ અને તેની પ્રેમિકા મેડેલીન સ્વાન કારમાં જઈ રહ્યા હોઈ છે ત્યારે મેડેલીન સ્વાનને કોઈકનો એક ગુમનામ ફોન આવે છે કે તેણે બોન્ડને બરાબર પાઠ ભણાવ્યો છે અને તે જાણીને તેના પિતા તેનાથી ખુબજ ખુશ થાશે. પરંતુ બોન્ડ તેની પ્રેમિકા સાથે શાંતિથી જીવન  જીવવા માટે બધુજ નજરઅંદાઝ કર્યું હોવાનો ઢોંગ કરે છે.

જેમ્સ બોન્ડ બધુજ ભૂલીને પોતાની પ્રેમિકા સાથે સમય પસાર કરી રહયો છે ત્યાંજ તેની શાંતિથી પસાર થઇ રહેલા જીવનમાં ભંગ પાડવા માટે તેનો એક સમયનો સી.આઈ.એ. માં રહેલો તેનો જુનો સાથી ફેલિક્ષ લેઈટર તેની પાસે આવે છે અને તેને વાલ્ડો ઓબૃચેવ નામના એક અતિ આધુનિક ટેકનોલોજીના શોધક વિજ્ઞાનીકની માહિતી આપે છે અને કહે છે કે તે છેલ્લા કેટલાક સમયથી રહસ્યમય રીતે ગાયબ થઇ ગયેલો છે. જો તે કોઈક આંતકવાદી સંગઠનના હાથમાં આવી જશે તો તેઓ તેને શોધેલી એકદમ આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને દુનિયાનું સર્વનાશ કરી નાખશે. બોન્ડ તેને શોધી કાઢવાનું મિશન સ્વીકારે છે અને ગાયબ થઇ ગયેલા વિજ્ઞાનીકનું પગેરું શોધતા છેવટે બોન્ડની પ્રેમિકા મેડેલીન સ્વાનજ તેની શંકાના દાયરામાં આવે છે અને તે તેની પાસેની એવા રહસ્યનો ભેદ જાણી જાય છે જે જાણીને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. બોન્ડ મુખ્ય વિલન  સાફિનના મલીન ઈરાદાઓ પાર પાડવામાં અવરોધો પેદા કરે છે જે કરોડો લોકોને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડીને બેઠો છે. બોન્ડ તેની યોજનાઓ પર પાણી ફેરવીને પોતાની જાન પર ખેલીને દુનિયાને બચાવવા દુશ્મનોની સામે એકલે હાથે લડવા નીકળી પડે છે.

વિલન સાફિનની દુનિયાને તબાહ કરવાની પોતાની તમામ યોજનાઓ પર પાણી ફરતા જોઈને તે બોન્ડને ખતમ કરવાની પેરવીઓ કરે છે અને છેવટે બોન્ડ તેના હાથમાં આવીજ જાય છે. બરફથી થીજાયેલા તળાવની નીચે બોન્ડ બહાર નીકળવાના અસફળ પ્રયત્નો કરી રહ્યો છે અને તેની બરાબર ઉપર બરફની પ્લેટ પર ઉભેલો વિલન બોન્ડને જાનથી મારી નાખવા માટે પોતાની મશીનગનમાંથી બોન્ડ પર આડેધડ ગોળીઓ વરસાવે છે અને.....

આ ગોળીઓ શું જેમ્સ બોન્ડને વાગે છે કે તેનાથી તે ગંભીર રીતે ઘવાય છે કે તેનાથી તેનું મૃત્યુ થાય છે તેમજ બોન્ડની પ્રેમિકા બનેલી મેડેલીન સ્વાન અસલમાં કોણ હતી? શું હતું તેનું કલંકિત ભૂતકાળ? શું તે બોન્ડને ફસાવે છે કે તેને મારી નાખવા માટે તેની સાથે બેવફાઈ કરે છે? આખરે શું હતું તેણીનું મિશન તેમજ ફિલ્મના કલાઈમેક્ષમાં છુપાયેલું તેનું રહસ્ય શું હતું એ બધું જાણવા માટે જેમ્સ બોન્ડ ફ્રેનચાઇસીની ૨૫મી તેમજ ૧૬૩ મીનીટની જેમ્સ બોન્ડ ૦૦૭ની સૌથી લાંબી, સૌથી ખર્ચાળ અને સૌથી વધુ ગાજેલી આ ફિલ્મ એક વખત અચૂક જોવી રહી.

- કમલ ફુલસિંહ જારોલી

મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

kamalfjaroli@gmail.com      

(11:45 am IST)