Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલી નવી ટુરિઝમ પોલિસીનો હજી સુધી અમલ થઈ શક્યો નથી !

મેગા- ઈનોવેટિવ ઈન્ડ્રસ્ટ્રીઝ માટે વર્ષ 2009માં પાંચ વર્ષ માટે જાહેર થયેલી પોલિસીને 10 વર્ષ ખેંચ્યા બાદ નવી નીતિના ઘડતરની કાર્યવાહી જ લટકી પડી

અમદાવાદ :આ તબક્કે ગુજરાત સરકારના અધિકારીઓ પાસે મોટા ઉદ્યોગો, રોકાણકર્તાઓને આકર્ષવા હાથ ઉપર કંઈ જ રહ્યુ નથી. મેગા- ઈનોવેટિવ ઈન્ડ્રસ્ટ્રીઝ માટે વર્ષ 2009માં પાંચ વર્ષ માટે જાહેર થયેલી પોલિસીને 10 વર્ષ ખેંચ્યા બાદ નવી નીતિના ઘડતરની કાર્યવાહી જ લટકી પડી છે. એટલુ જ નહિ, વર્ષ 2021ના આરંભે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જાહેર કરેલી નવી ટુરિઝમ પોલિસીનો હજી સુધી અમલ થઈ શક્યો નથી !

સત્તામાં ટકી રહેવાની લાલસામાં વિધાનસભા- 2022ની ચૂંટણીઓ જીતવા ભાજપે સરકારમાં ચહેરા ભલે બદલ્યા પણ સ્વઘોષિત વિશ્વની સૌથી રાજકીય પાર્ટીની આંતરિક ખેંચતાણને કારણે આખી સરકાર લકવાગ્રસ્ત થઈ છે. જેની સીધી અસર ગુજરાતના ખરેખર વિકાસ, ગુજરાતીઓના રોજગાર, આવકને થઈ રહી છે.

 સરકારમાં નીતિ નિર્ધારણની પ્રક્રિયા સાથે જોડાયેલા ટોચના અધિકારીઓ મુજબ  '12મી જાન્યુઆરીના રોજ તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નવી ટુરિઝમ પોલિસી જાહેર કરી હતી. એ વખતે તેનો અમલ 1લી જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2025 સુધી રહેશે એમ તેમણે જ જાહેર કર્યુ હતુ. સરકારની આ જાહેરાતને આખુ વર્ષ પસાર થઈ ગયુ છે છતાંય તેનો કોઈ જ ઠરાવ પ્રસિધ્ધ થયો નથી. એક તરફ તેમાં જાહેર થયા મુજબ ૧૫ ટકા કેપિટલ સબસિડીથી લઈને 6 મહિના માટે ટુરિસ્ટ ગાઈડદીઠ રૂ.4000ની સહાય જેવા અનેકવિધ લાભો માટે અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે' આ તો માત્ર એક ઉદાહરણ છે

 . સાણંદમાં ટાટા, બહુચરાજીમાં સુઝૂકી જેવા મોટા ઉદ્યોગોને આકર્ષવા છેલ્લા દોઢ- બે વર્ષથી મેગા- ઈનોવેટિવ ઈન્ડસ્ટ્રીઝ માટેની પોલિસી પણ આખરી થઈ શકી નથી

માત્ર રાજકારણથી છેવટે ગુજરાતીઓને જ નુકશાન

વર્ષ 2017માં 99 બેઠકો સાથે સત્તા પર પરત ફરેલા ભાજપે વિતેલા ચાર વર્ષમાં સૌથી પહેલા પાતળી બહુમતીની રૂપાણી સરકારને તગડી કરવા કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા શરૂ કરીને છેક સોમા ગાંડા પટેલ સુધીના ધારાસભ્યોને તોડયા, ખરીદ્યા. માંડમાંડ 112 ધારાસભ્યે તગડી થયેલી રૂપાણી સરકારના ચહેરા કોરોનામાં ઉઘાડા પડતા ભાજપે આખી સરકાર જ બદલી કાઢી છે. આ ચાર વર્ષમાં ચૂંટાયેલી સરકારમાં પોલિસી પેરાલિસિસને કારણે છેવટે ગુજરાતને જ નુકશાન થઈ રહ્યુ છે.

અનિર્ણાયક સરકારમાં પેન્ડિંગ પોલિસી

1. નવી ટુરિઝમ પોલિસી- 2021 જાહેર કરી પણ અમલ થયો નથી.
2. વર્ષ 2009ની મેગા- ઈનોવેટિવ ઈન્ડ્ર. નીતિને સ્થાને બીજી નહી.
3. IT એન્ડ ITES - 2016 પોલિસીની મુદ્દત પૂર્ણ થવાના આરે છે.
4. સેનેમેટિક ટુરિઝમ પોલિસીની જાહેરાત અને અમલ બેઉ અધરમાં.
5. વર્ષ 2016ની ઈલેક્ટ્રોનિક ઈન્ડ્રસ્ટીઝ પોલિસીની મુદ્દત પૂર્ણ થઈ.
6. એગ્રો બિઝનેશ પોલિસી-2016ની મુદ્દત પણ પૂર્ણ થઈ ચૂકી છે.
7. ઉર્જાક્ષેત્રે (વીજ ઉત્પાદન, વિતરણ) સંદર્ભે ત્રણ પોલિસી પેન્ડીંગ.
8. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના વપરાશ માટે ઈન્સેન્ટિવ પોલિસી.

(12:41 am IST)