Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

પાલનપુરના ખસા ગામની સરકારી શાળામાં ઓરડાની અછત હોવાથી વિદ્યાર્થીઓ હેરાન : ગ્રામજનો દ્વારા તાળાબંધીની ચિમકી

શિક્ષણ ક્ષેત્રે રાજય સરકાર કટ્ટીબધ્‍ધ હોવાની વાતો વચ્‍ચે નવી વાત સામે આવી

બનાસકાંઠા :સરકારી પ્રાથમિક શાળાઓને ખાનગી શાળાઓ સમકક્ષ બનાવવાના સરકારના વાયદાઓ વચ્ચે જ બનાસકાંઠા જિલ્લામાં સુવિધા વિહોણી શાળાઓનું નવીનીકરણ કરવાની માંગ કરવા છતાં માંગો ન સ્વીકારતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાતી હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના ખસા ગામે પણ શાળામાં ઓરડાની ઘટના કારણે વિધાર્થીઓ મુશ્કેલીઓ અનુભવતા ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

શિક્ષણ ક્ષેત્રે કટીબધ્ધ હોવાની વાતો કરતી અને સરકારી શાળાઓને ખાનગી શાળાઓ સમકક્ષ બનાવવાની વાતો કરતી સરકારની કડવી વાસ્તવિકતા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાની કેટલીય એવી શાળાઓ છે કે શાળાના ઓરડા જર્જરિત બની જતા કંડમ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ઓરડાની અછતને કારણે ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે. આવી જ એક શાળા બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખસા ગામની કે જ્યાં 9 ઓરડા આવેલા હતા. જોકે તમામે તમામ ઓરડા કંડમ થઇ જતા અત્યારે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી અભ્યાસ મેળવી રહ્યા છે. 1 થી 8 ધોરણની આ શાળામાં ઓરડાની અછતને અભાવે બે પાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બોલાવવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને શિક્ષકોના સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર રૂમના ટેબલને સાઈડ પર કરી કોમ્પ્યુટર રૂમમા ગીચોગીચ ભરી અત્યારે અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પણ મજબૂર બની અનેક અગવડતા ભોગવી અભ્યાસ કરી રહ્યાં છે.સ્કૂલની વિદ્યાર્થીની પૂજા કહે છે કે, અમારી સ્કૂલમાં વર્ગ નથી એટલે અમને તકલીફ પડે છે. અમારે ભણવું છે આગળ વધવું છે. તો અન્ય એક વિદ્યાર્થી અજમલજી ઠાકોરે જણાવ્યું કે, મારા ગામની શાળામાં ઓરડાની અછતને લઇ અમે વારંવાર રજુઆતો કરી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં તાળાબંધી કરીશું.મહત્ત્વની વાત એ છે કે, શાળામાં ઓરડાની અછત આજકાલની નહિ, પરંતુ છેલ્લા 5 વર્ષથી છે અને ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજુઆત કરાઈ છે અને તંત્ર દ્વારા પણ કંડમ રૂમો તોડી પાડવા શાળાને જાણ કરાતા શાળાએ અતિ કંડમ એવા 5 વર્ગખંડો તો ઉતારી લીધા છે, પરંતુ ત્રણ વર્ગખંડો જે હયાત હાલતમાં છે તે પણ ખુબ જ જર્જરીત બની જતા વિદ્યાર્થીઓને બેસાડી શકાતા નથી. જો કે ગ્રામજનોએ સ્થાનિક કક્ષાથી લઈ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી શાળાના વર્ગખંડોનું નવીનીકરણ કરવા રજૂઆતો કરાઈ છે. પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને લઇ રજુઆતો કરી કરી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ હવે શાળાનું નવીનીકરણ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.શાળાના એસએમસી અધ્યક્ષ દિનેશજી ઠાકોરે જણાવ્યું કે, શાળાના ઓરડા જે રીતે જર્જરિત છે તે રીતે આગામી દિવસોમાં શાળામાં મોટી જાનહાનિ થઈ શકવાની ભીતિ છે, ત્યારે સરકાર આ સ્થિતિને ધ્યાન પર લે, નહિતર તાળાબંધી કરવી પડશે. એક તરફ રાજ્ય સરકાર શાળાઓમાં તમામ આધુનિક ભૌતિક સુવિધાઓ આપીને શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવાની વાતો કરી છે. પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો કંઈક અલગ જ સામે આવી છે. ત્યારે ગ્રામજનો તો રજૂઆતો કરી કરીને થાકી ગયા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીઓ વેઠી અભ્યાસ કરી થાકી ગયા છે ત્યારે શિક્ષણ વિભાગ પોતાનો લુલો બચાવ કરતા કહી રહ્યું છે કે સ્કૂલમાં ઓરડાની ઘટના કારણે બે પાળીમાં બાળકોને અભ્યાસ કરાવી અને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી છે જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે અમે ઓરડાઓ બનાવી આપીશું.જિલ્લા શિક્ષણાધિકારી સંજય ચૌહાણે આ મામલે કહ્યું કે, ખસાની શાળામાં ઓરડાની ઘટ છે જિલ્લામાં 47 સ્કૂલોમાં 1555 ઓરડાની ઘટ છે ગ્રાન્ટ આવતાં જ જલ્દીથી ઓરડાઓ બનાવી દઈશું.બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરકારમાં ઓરડાઓ બનાવવાની રજુઆત કરાઈ છે ત્યારે જોવાનું એ રહ્યું કે બાળકોને અભ્યાસ માટે ઓરડાઓ મળે છે કે કેમ કે પછી વાલીઓ સ્કૂલને તાળાબંધી કરવા મજબૂર બને છે તે તો હવે જોવું રહ્યું. 

(6:00 pm IST)