Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

સરદાર પટેલ યુનિવર્સીટીની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વલ્લભવિદ્યાનગર : સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત ગર્લ્સ હોસ્ટેલના રૂમ નં.૯૦મા રહેતી મુળ મહારાષ્ટ્રની વિદ્યાર્થીનીએ શુક્રવારે બપોરે ૧૨ વાગ્યા અગાઉ રૂમના પંખા ઉપર દુપટ્ટો ભરાવીને ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કરતા સમગ્ર સંકુલમાં સોંપો પડી જવા પામ્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓ, વોર્ડને સ્થળ ઉપર દોડી આવી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી જઇને પ્રારંભિક કાર્યવાહી બાદ મૃત્તદેહને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

મહારાષ્ટ્રની વતની અને યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને યુનિના એમએસસી સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી શ્રૂતિ સુહાસ હસમે (ઉ.વ.૨૩) નામની વિદ્યાર્થીનીએ આજરોજ બપોરે કોઇ અગમ્ય કારણોથી પ્રેરાઇને હોસ્ટેલના રૂમ નં. ૯૦ના સિલીંગ ફેન સાથે દુપટ્ટો ભરાવીને ગળેફાંસો ખાઇ લઇને આપઘાતનુ પગલુ ભર્યુ હતું. બનાવની જાણ થતાં અન્ય વિદ્યાર્થીઓ, વોર્ડન સહિતના કર્મીઓ સ્થળ ઉપર દોડી આવી દૃશ્ય નિહાળતા જ ચોંકી અને ગભરાઇ ઉઠયા હતા. જોકે બનાવના સ્થળ ઉપર કુતુહલવશ તબક્કાવાર ભીડ એકઠી થઇ હતી. ઘટના અંગે શહેર પોલીસને જાણ કરાતા વલ્લભવિદ્યાનગર પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃત્તદેહને નીચે ઉતાર્યા બાદ યુવતીના મહારાષ્ટ્ર સ્થિત પરિવારજનોને જાણ કરીને વોર્ડન કપિલાબેન કનુભાઇ રાઠોડ (રહે. ગર્લ્સ હોસ્ટેલ, નાના બજાર)ની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પીએસઆઇ રાઠોડના જણાવ્યાનુસાર વિદ્યાર્થીનીની આત્મહત્યા પાછળ સાચુ કારણ જાણવા મળ્યુ નથી. વધુ તપાસ બાદ હકિક્ત માલુમ પડશે. તેમ તેઓએ જણાવ્યુ છે.

(6:43 pm IST)