Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ખેડામાં કેમ્પમાં એલ.આર.ડીની ફિજિકલ પરીક્ષા આપી યુવાનનું આકસ્મિક મૃત્યુ નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

નડિયાદ : હાલમાં રાજ્યમાં તબક્કાવાર લોકરક્ષક દળની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ખેડા કેમ્પમાં એલ.આર.ડી.ની ફિઝિકલ પરિક્ષા આપવા ઠેર ઠેરથી યુવાનો આવ્યા છે. આજે દોડ પૂરી કરી રૂમ પર ગયેલાં સંતરામપુરના યુવાનનું આકસ્મીક મોત નિપજ્યું હતું.

ખેડા જિલ્લામાં ખેડા કેમ્પમાં આજે લોકરક્ષક દળની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ હેઠળ દોડ કરાવવામાં આવતી હતી. ત્યારે સંતરામપુર તાલુકાના કોતરા ગામના નરેન્દ્ર ગલાભાઈ બામણીયા ગઇકાલે સાંજે પોતાના ત્રણ મિત્રો સાથે આવી ખેડા કેમ્પ ખાતે રૂમમાં રોકાયા હતાં. આજે સવારે નરેન્દ્ર દોડ પ્રક્રિયા પૂર્ણ કરી રૂમ આવી સૂઈ ગયો હતો. જ્યારે તેની સાથેના મિત્રો દોડ કરવા ગ્રાઉન્ડ પર રહ્યા હતાં. આ મિત્રો દોડ પૂર્ણ કરી રૂમ પર ગયાં હતાં.  ત્યારે નરેન્દ્ર (ઉં. ૧૯ વર્ષ)ને ઉઠાડતા ઉઠયો ન હતો. આ અંગેની જાણ પોલીસને થતાં તબીબની ટીમને બોલાવી તપાસ  કરતાં યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ સંતરામપુરના આશાસ્પદ યુવાનનું રહસ્યમય મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે આશિષ રતાંભાઈ ગરાસીયાએ જાણ  કરતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(6:44 pm IST)