Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વડોદરાના રાવપુરા મેઈનરોડ નજીક બે બાળકો સહીત એક મહિલાને હડફેટે લેનાર બાઈક ચાલકને અદાલતે 6 મહિનાની કેદની સુનવણી કરી

વડોદરા : રાવપુરા મેઇન રોડ ઉપર સર્જાયેલા એકસ્માતમાં કોર્ટે બાઇક ચાલકને ૬ મહિનાની જેલની સજા ફટકારીને દાખલો બેસાડયો છે. શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા અને બીજી તરફ પુર ઝડપે વાહન ચલાવતા ચાલકો માટે આ ચેતવણીજનક ચુકાદો છે.

મુળ યુપીના આઝમગઢ જિલ્લાના ગામબીબીપુરનો રહેવાસી ઉમરઅલી અહેમદઅલી અન્સારી સયાજીગંજમાં રહે છે. ગત તા.૨૪ માર્ચ ૨૦૧૬ના રોજ સાંજે ૩.૫૦ વાગ્યાના અરસામાં તે રાવપુરા મેઇન રોડ પર યુકો બેન્ક સામે પુરઝડપે બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે એક મહિલા અને બે બાળકો તેની અડફેટે આવી ગયા હતા જેમાં મહિલા અને બાળકોને ગંભીર ઇજાઓ થઇ હતી. આ કેસમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઉમરઅલીની અટકાયત કરી હતી ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી દારૃની બોટલ પણ મળી આવી હતી અને પોલીસે નોંધ્યુ હતુ કે દારૃના નશામાં તે બાઇક ચલાવી રહ્યો હતો.

આ કેસ વડોદરાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં એડિશનલ સિનિયર સિવિલ જ્જ ડી.જે.પરમારે સરકારી વકીલ આર.આર.પુરોહિતની દલીલો, પુરાવાઓ, સાક્ષીઓની જુબાની વગેરે ધ્યાને રાખીને ઉમરઅલીને દોષિત માનીને ૬ માસની કેદની સજા ફટકારી હતી.

(6:47 pm IST)