Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ : ઈસુદાને કહ્યું -ભાજપ હલકી રાજનીતી કરે છે.મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો

પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો?આપ નેતા મહેશભાઈ સવાણીએ ઉઠાવ્યો સવાલ

અમદાવાદ :રાજ્યમાં પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં ઈસુદાન પર IPC 66(1)B, 85 (1) મુજબ ગુનો દાખલ થયો છે

ઈસુદાને જણાવ્યું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો, ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર છું.

 આપના નેતા મહેશ સવાણીએ ઈસુદાનના લિકર રિપોર્ટ પર જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો? આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી?

કમલમમાં વિરોધપ્રદર્શન બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા. ત્યારબાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા. બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી સેશન્સ કોર્ટે 30 નવેમ્બરે મંજૂર કરી હતી. જોકે બે દિવસ પહેલા જ જામીન પર છૂટ્યા બાદ આજે ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા આપના નેતાઓ દોડતા થઈ ગયા છે.

બિન-સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ AAPએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. 20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં AAPના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વિરોધપ્રદર્શન બાદ પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી હતી. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા હતાં.

(7:00 pm IST)