Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વડોદરામાં રસી લીધાના બે કલાક બાદ સફાઈ કર્મીનું મોત

પરિવારે હોબાળો મચાવ્યો

વડોદરા, તા. ૩૧ : ગુજરાતમાં કોરોના વાયરસ માટેન રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં વેક્સિન લીધા બાદ મૃત્યુનો પ્રથમ કેસ સામે આવ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં એક વેક્સિન લીધાના બે કલાક બાદ એક સફાઈ કર્મચારીનું મૃત્યુ થયું હતું. જેના કારણે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલે સફાઈ કર્મીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પરિવારજનોએ ના પાડી દીધી હતી. હોસ્પિટલનું કહેવું છે કે રસી લીધા બાદ સફાઈ કામદારનું નિધન થયું હોવાનું લાગતું નથી. સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐય્યરે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે જોતા કોરોનાની રસીના કારણે મોત થયું હોય તેવું લાગતું નથી. પરંતુ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ સાચુ કારણ જાણળવા મળશે.

તેમણે કહ્યું હતું કે આ મૃતક યુવાનને હદયની તકલીફ હતી અને ૨૦૧૬મા તેણે હાર્ટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને અન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી. તેમને જે દવા લેવાની હતી તે દવાઓ લીધી ન હતી. તેના પરિવારે આક્ષેપ કર્યો છે તેના કારણે તેમનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની રસી લેવી સ્વૈચ્છિક છે અને તે માટે કોઈ પણ વ્યક્તિને દબાણ કરવામાં આવતું નથી. જોકે, પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને કોરોના રસીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકના પત્નીએ કહ્યું હતું કે કોરોનાની રસી લીધા બાદ તેમનું મોત થયું છે. પરિવારજનોએ હોસ્પિટલમાં પણ હોબાળો મચાવ્યો હતો.

(9:16 am IST)